આદિપુરમાં દારૂ પીવા માટે રૂપિયા નહીં આપતાં યુવાન પર છરીથી હુમલો કરાયો
પૂર્વ કચ્છમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. મારામારી, અપહરણ, ચોરી, લૂંટફાટ સહિતના બનાવો છાશવારે બનતા રહે છે. આ દરમ્યાન આજે સોમવારે આદિપુરના ચારવાળી વિસ્તારમાં એક યુવાને દારૂ પીવા માટેના રૂપિયા નહીં આપતાં નશેડી શખસે તેના પર છરીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેથી આદિપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના ટીસીપીસી ગ્રાઉન્ડની નજીક જાહેરમાં બન્યો બનાવ
આદિપુર શહેરના ટીસીપીસી ગ્રાઉન્ડની નજીકમાં જાહેરમાં આ બનાવ બન્યો હતો. જેમાં છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતો તુષાર નારાયણદાસ મહેશ્વરી નામનો યુવાન ફોન પર વાતો કરવામાં મશગુલ હતો ત્યારે આરોપી જગદીશ પુનમ પાતારિયા નામનો શખસ ત્યાં આવ્યો હતો અને તુષાર પાસે દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા હતા. જોકે તુષારે રૂપિયાની ના પાડતાં જ જગદીશ ઉશ્કેરાઇ ગયો તો અને તેની પાસે રહેલી છરીથી તુષાર પર તુટી પડ્યો હતો
નશાખોરે પીઠમાં છરી ભોંકીને યુવાનને ગંભીર ઇજા પહોંચાડી
આરોપી જગદીશ દ્વારા કરાયેલા હુમલાથી બચવા માટે તુષારે ત્યાંથી દૂર હટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે જગદીશે તેની પીઠમાં છરી ભોંકી દઇને તુષારને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ દરમ્યાન બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવતાં આરોપી નાશી છુટ્યો હતો. આ બનાવમાં તુષારને પીઠ ઉપરાંત ડાબા હાથ તથા પડખાના ભાગે ઇજાઓ થઇ હતી. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશ સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી