યુનુસ સરકાર ભાગેડુ ઝાકિર નાઇકનું રેડ કાર્પેટ પર સ્વાગત કરશે, ૧ મહિના સુધી દેશમાં રહેવાની મળી મંજૂરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતના વોન્ટેડ પ્રચારક ઝાકિર નાઇકને એક મહિના માટે દેશમાં ઉપદેશ આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય દેશની પૂર્વ શેખ હસીના સરકારની નીતિથી વિપરીત છે. શેખ હસીનાની સરકારે ૨૦૧૬માં નાઇકના પીસ ટીવી પર પ્રતિબંધ મૂક્યો હતો. નાઇક ૨૦૧૬થી ભારતમાંથી ફરાર છે અને તેના પર નફરત ફેલાવવાના આરોપો છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઇકનું પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્વાગત થઈ રહ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે, જેનું નેતૃત્વ મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે, તેણે વિવાદાસ્પદ ઇસ્લામિક પ્રચારક અને ભારતમાં વોન્ટેડ ઝાકિર નાઇકને દેશભરમાં ઉપદેશ આપવાની મંજૂરી આપી છે.
યુનુસ સરકારે નાઇકને એક મહિના સુધી દેશમાં રહેવાની મંજૂરી આપી છે. નાઇકનો પ્રવાસ ૨૮ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. આ દરમિયાન નાઇક બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ધાર્મિક પ્રવચન આપશે. બાંગ્લાદેશનો આ તેનો પહેલો પ્રવાસ હશે.

આ નિર્ણય પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારની નીતિઓથી તદ્દન અલગ છે. આ પહેલાં શેખ હસીનાની સરકારે જુલાઈ ૨૦૧૬માં ઢાકા હોલી આર્ટિસન બેકરી આતંકવાદી હુમલા પછી ઝાકિર નાઇકની પીસ ટીવી ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો.
હુમલાના થોડા જ કલાકો બાદ ઝાકિર નાઇક ભારતમાંથી ભાગી ગયો હતો, જ્યારે હુમલાખોરોમાંથી એકે બાંગ્લાદેશી તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે નાઇકની યુટ્યુબ ચેનલ પર આપવામાં આવેલા તેના ભાષણોથી પ્રભાવિત હતો.
૨૦૧૬થી ભારતમાંથી ફરાર
ઝાકિર નાઇક ૨૦૧૬થી ફરાર છે અને ભારતમાં તેના પર નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના આરોપો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ તેની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે.

પાકિસ્તાનનો પણ કર્યો હતો પ્રવાસ
ઝાકિર નાઇક ૨૦૧૬થી મલેશિયામાં રહે છે. ભારતે ઘણી વખત મલેશિયામાં રહેતા નાઇકના પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ મલેશિયાએ તેને મંજૂર કર્યું નથી. બાંગ્લાદેશ પહેલાં પાકિસ્તાને પણ નાઇકને પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. આ પછી હવે બાંગ્લાદેશ પણ આવું કરવા જઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે પાકિસ્તાને ઝાકિર નાઇકનું તેના દેશમાં સ્વાગત કર્યું હતું. તે પ્રવાસ દરમિયાન ઝાકિર નાઇકને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના સભ્યો – કમાન્ડર મુઝમ્મિલ ઇકબાલ હાશ્મી, મુહમ્મદ હારિસ ધર અને ફૈસલ નદીમ – ને મળતા જોવામાં આવ્યો હતો. આ તમામને અમેરિકાએ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા હતા.
રિપોર્ટ અનુસાર, નાઇકે લાહોરની બાદશાહી મસ્જિદમાં લગભગ ૧.૫ લાખ લોકોની ભીડને સંબોધિત કરી હતી, જ્યાં પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા હતી.

