OMG! 2015માં Zomato પર આટલામાં મળતું હતું પનીર મલાઈ ટિક્કા! ઇન્ટરનેટ પર બિલ વાયરલ
આજના સમયમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો ખૂબ સામાન્ય બની ગયો છે. જોકે, મોટાભાગના લોકોને ફરિયાદ હોય છે કે ઓફલાઈન કરતાં ઓનલાઈન વસ્તુઓ વધારે મોંઘી મળે છે. પરંતુ શું તમે જાણો છો કે શરૂઆતમાં આવું ન હતું? હાલમાં સોશિયલ મીડિયા પર Zomatoનું એક જૂનું બિલ વાયરલ થઈ રહ્યું છે, જેને જોઈને તમે ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશો.
ડિલિવરી ચાર્જ અને પ્લેટફોર્મ ફી વિનાનો યુગ
હજારો લોકો દરરોજ એપ પરથી ફૂડ ઓર્ડર કરે છે, પરંતુ તેમની મુખ્ય ફરિયાદ હોય છે કે ઓર્ડરની મૂળ કિંમત કરતાં ડિલિવરી ચાર્જ, પ્લેટફોર્મ ફી અને ટેક્સને કારણે બિલ ઘણું વધી જાય છે.
સોશિયલ મીડિયા પર Zomatoનું જે જૂનું બિલ વાયરલ થઈ રહ્યું છે, તે 2019નું છે. આ એ સમય હતો જ્યારે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા પર ન તો કોઈ ડિલિવરી ચાર્જ લાગતો હતો કે ન તો કોઈ પ્લેટફોર્મ ફી. તે સમયે ઓનલાઈન ફૂડ મંગાવવું ખરેખર સસ્તું અને અનુકૂળ ગણાતું હતું.
માત્ર ₹92માં પનીર મલાઈ ટિક્કા!
વાયરલ બિલ મુજબ, એક યુઝરે આશરે 9.6 કિલોમીટર દૂર આવેલી રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આટલા લાંબા અંતર છતાં યુઝર પાસેથી કોઈ ડિલિવરી ચાર્જ કે વધારાની ફી લેવામાં આવી નહોતી.
રેડિટ પર શેર કરેલી આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, યુઝરે ₹160નું પનીર મલાઈ ટિક્કા ઓર્ડર કર્યું હતું, પરંતુ કૂપન કોડ લગાવ્યા પછી તેનું કુલ બિલ માત્ર ₹92 આવ્યું હતું.
પોસ્ટ કરનાર યુઝરે નોસ્ટાલ્જિયામાં લખ્યું કે આજે જો આ જ ઓર્ડર કરવામાં આવે તો ઓછામાં ઓછા ₹300નો ખર્ચ થાય, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂડની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. યુઝરે કહ્યું કે તે સમય ખરેખર અલગ હતો, જ્યારે Zomatoનું નામ સાંભળીને સસ્તો અને સરળ ખોરાક મગજમાં આવતો હતો, અને કૂપન કોડનો અર્થ અસલી ડિસ્કાઉન્ટ થતો હતો, આજના જેવો માત્ર દેખાડો નહીં.
સમય સાથે બદલાયો ફૂડ ડિલિવરીનો બિઝનેસ મોડેલ
આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે કેવી રીતે ફૂડ ડિલિવરી એપ્સે સમય સાથે પોતાનો બિઝનેસ મોડેલ બદલી નાખ્યો છે.
પહેલાં આ એપ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ઓછા ભાવ અને મોટી છૂટ આપતી હતી, પરંતુ હવે જેમ જેમ તેમનું નેટવર્ક અને ડિલિવરી સિસ્ટમ વિસ્તરતી ગઈ, તેમ તેમ ખર્ચ પણ વધતા ગયા. ડિલિવરી એજન્ટોનો પગાર, પેટ્રોલના ભાવ, રેસ્ટોરન્ટ પાર્ટનરશિપ અને ટેક્નોલોજી સુધારણા જેવા ખર્ચાઓને આવરી લેવા માટે જ કંપનીઓએ પ્લેટફોર્મ ફી અને ડિલિવરી ચાર્જ લેવાનું શરૂ કર્યું છે.