સુરત સાયબર ક્રાઈમના ચુસ્ત પગલાં: બંને આરોપી ઝડપાયા
સુરતના એક વેપારી માટે ટાટા ગ્રુપની જાણીતી બ્રાન્ડ ઝૂડિયોની ફ્રેન્ચાઈઝી મેળવવાનું સપનું દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયુ… નકલી વેબસાઈટ અને મેઈલ આઈડી દ્વારા વેપારી સાથે કરાર અને રજિસ્ટ્રેશનના બહાના હેઠળ ૩૧ લાખ રૂપિયાની ઠગાઈ કરાઈ.
ઓનલાઈન માહિતી શોધી પડ્યા ફસાવામાં
રાંદેરના વેપારી અનુરાગ હીરાણી પાસે નવસારી જિલ્લાના ચીખલી ખાતે કમર્શિયલ દુકાનો હતી. આ દુકાનો ઝૂડિયો બ્રાન્ડને ભાડે આપવાના ઈરાદે તેઓએ ગુગલ પર ઝૂડિયોની માહિતી શોધી, એક મેઈલ આઈડી પરથી સંપર્ક કર્યો. થોડાં દિવસોમાં જવાબ આવી ગયો અને વેપારીએ શંકા વિના આગળ વધવાનું નક્કી કર્યું.
દસ્તાવેજો મોકલી વિશ્વાસ જીતી લીધો
નકલી તત્વોએ ઝૂડિયોના નામે કરાર, લેટરહેડ અને લાયસન્સ જેવી નકલી દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરી. વેપારી પાસે રજિસ્ટ્રેશન ફી, એન.ઓ.સી., કરારચાર્જ સહિત અલગ-અલગ બહાનાંઓ હેઠળ રકમ પડાવતી રહી. ફ્રેન્ચાઈઝીનું કામ શરૂ ન થતાં વેપારીએ શંકા જણાવી ફરિયાદ નોંધાવી.
સાયબર ક્રાઈમના ચુસ્ત પગલાં: બે શખ્સની ધરપકડ
ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઈમ શાખાએ મધ્યપ્રદેશથી રવિ પાટીદાર અને પ્રશાંત કસેરા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ટેક્નોલોજી ક્ષેત્રે કામગીરી કરતા હતા. રવિ પાટીદાર વેબ ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગની આડમાં કંપની ચલાવતો હતો જ્યારે પ્રશાંત કસેરા અન્ય ઠગોના સંપર્કમાં હતો.
ટેકનોલોજીનો ઉપયોગ કરી રચાયો ઠગાઈનો જાળ
પોસ્ટર, વેબસાઈટ અને મેઈલ દ્વારા વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. વેપારીએ પોતાની દુકાન ભાડે આપી ધંધો વધારવાનો વિચાર કર્યો હતો પણ આખરે મોટું નુકસાન ભોગવ્યું.
નકલી ફ્રેન્ચાઈઝી એજન્ટો સામે ચેતવણી
આ ઘટનાએ સાબિત કર્યું છે કે આજે પણ ઓનલાઇન માહિતીની પૃષ્ટિ કર્યા વગર નિર્ણય લેતા વેપારીઓ સાયબર ઠગાઈના શિકાર બની શકે છે. તંત્ર દ્વારા આવા નકલી એજન્ટ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે, પણ લોકો જાગૃત રહે એ સૌથી જરૂરી છે.
આ કેસ એક ચેતવણીરૂપ કિસ્સો છે. કોઈપણ કંપનીની ઓફિસિયલ વેબસાઈટ કે વેરિફાઈ મિડિયા ચેનલથી જ સંપર્ક સાધવો જોઈએ. નકલી ઇમેઈલ, વેબસાઈટ કે કરારનામા પર વિશ્વાસ કરવો મોટા નુકસાનીમાં ફેરવી શકે છે.