‘અમે કોઈના ખાનપાન પર પ્રતિબંધ નથી મૂકતા’, ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યો ખુલાસો
પશ્ચિમ બંગાળનું રાજકીય વાતાવરણ આજકાલ ફરી એકવાર ખૂબ જ ગરમાયું છે અને તેનું કારણ બાગેશ્વર ધામના પ્રમુખ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બન્યા છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના પોતાના પ્રવાસ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુર્ગા પૂજા, માંસાહારી ભોજન તેમજ બલિ પ્રથાને લઈને કેટલાક એવા નિવેદનો આપ્યા હતા, જેના પછી રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ટીએમસી અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો આ નિવેદન પછી ખૂબ જ આક્રમક વલણ અપનાવીને સતત તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે, સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં હાજર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ સમગ્ર વિવાદ પર પોતાની ચૂપકીદી તોડી છે અને એક વીડિયોના માધ્યમથી ખુલીને પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમનો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈના ખાનપાન પર પ્રતિબંધ મૂકવાનો બિલકુલ નહોતો, પરંતુ તેમણે માત્ર ધાર્મિક મર્યાદા અને જીવ હિંસાના વિરોધમાં પોતાની વાત રાખી હતી.

સ્કોટલેન્ડથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપી સ્પષ્ટતા, કહ્યું- ‘અમે બંગાળીઓના વિરોધી નથી’
ગ્લાસગોથી પોતાની સ્પષ્ટતા આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ જેવું પશ્ચિમ બંગાળથી પાછા ફર્યા, તેમના નિવેદનોને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું અને તેમના નિવેદનોના અર્થનો અનર્થ કાઢવામાં આવવા લાગ્યો. તેમણે કહ્યું કે તેમની આ જૂની આદત રહી છે કે તેમણે આજ દિન સુધી ક્યારેય કોઈના વ્યક્તિગત ખાનપાન કે પહેરવેશ પર કોઈ ટિપ્પણી કરી નથી. પોતાની વાતને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું, “અમે તો ફક્ત દુર્ગા પૂજાના સંદર્ભમાં એટલી જ વાત કહી હતી કે પવિત્ર તહેવાર દરમિયાન દેવી પંડાલોની આસપાસ પવિત્રતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પંડાલોની નીચે માંસ કે માંસાહારી ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ. જો કોઈને માંસાહારી ભોજન કરવું જ હોય, તો તેઓ પોતાના ઘરની અંદર કરી શકે છે.”
તેમણે વધુમાં કહ્યું, “આપણે કોઈના ખાવાના અધિકાર પર કેવી રીતે પ્રતિબંધ મૂકી શકીએ? લોકો કેવી રીતે જીવે છે અથવા શું ખાય-પીવે છે તેમાં દખલ કરવાનો આપણને શું અધિકાર છે? જોકે, એક ધાર્મિક નેતા તરીકે, સમાજમાં ફેલાતી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને લોકોને અહિંસાના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવા એ મારી ફરજ છે. આપણાં શાસ્ત્રો પણ આપણને આ જ શીખવે છે.”
બલિ પ્રથાને લઈને કહી હતી તીખી વાત, બોલ્યા- ‘જીવમાં શિવનો વાસ છે’
પશ્ચિમ બંગાળમાં પ્રચલિત બલિ પ્રથા પર પોતાના આપેલા જૂના નિવેદનનો ઉલ્લેખ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દરેક જીવમાં શિવનો વાસ હોય છે અને આ સૃષ્ટિના દરેક નાના-મોટા જીવને જીવવાનો પૂર્ણ અધિકાર છે. આ જ વૈચારિક પૃષ્ઠભૂમિ હેઠળ તેમણે ત્યાંની બલિ પ્રથા પર ખુલ્લેઆમ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું, “આણને વ્યક્તિગત રૂપે બલિ પ્રથા સારી નથી લાગતી. બની શકે કે આ પરંપરા તમને સારી લાગતી હોય, પરંતુ આપણું માનવું તેનાથી વિપરીત છે. જે માતા પોતાના જ કોઈ નિર્દોષ દીકરાની બલિ લઈ લે, તેને આપણે માતા કેવી રીતે માની શકીએ? જો માતાને જ બલિ લેવી હશે, તો તે જાતે જ લઈ લેશે, તેના માટે તમારે કોઈ જીવને કાપવાની શી જરૂર છે? તમે ખુદ પોતાના સ્વાર્થ માટે તે બેજુબાનને કાપી રહ્યા છો.”
પોતાની ટીકા કરનારાઓને જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નોંધ્યું કે ઘણા લોકોએ તેમના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કર્યા છે અને એવી વાત ફેલાવી છે કે ‘બાગેશ્વર બાબા’ બંગાળીઓને ઉપદેશ આપી રહ્યા છે. સૌમ્ય અને સ્નેહપૂર્ણ સ્વરમાં તેમણે કહ્યું, “મિત્રો, હું બંગાળીઓથી અલગ નથી; હું પણ ભારતની આ જ ભૂમિનો નિવાસી છું. હું સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામકૃષ્ણ પરમહંસના આદર્શોને અનુસરનારો છું. જે લોકો આ મહાન આત્માઓનું સન્માન કરે છે, તેમના આહાર-વિહાર વિશે ટિપ્પણી કરવાનું સાહસ હું શા માટે કરું? તમે બધા મારા પોતાના અને મારા હૃદયની નજીક છો. તેમ છતાં, મારે જીવો પ્રત્યેની હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ પડે, કારણ કે મારો ધર્મ અને શાસ્ત્રો મને એ જ શીખવે છે.
શુભેન્દુ અધિકારીનું કડક વલણ, કહ્યું- ‘પ્રદર્શનકારીઓની તુરંત ધરપકડ કરવામાં આવે’
એક તરફ જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની સ્પષ્ટતા આપી રહ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજકારણમાં આ મુદ્દે ઘમાસણ ચાલુ છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ આશુતોષ ચેટરજીના નેતૃત્વમાં થોડા સમય પહેલા ભવાનીપુર પોલીસ સ્ટેશનની બહાર ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમની તસવીરો પણ સળગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ પર રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે.
વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન બોલતા, વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે પોલીસ વહીવટીતંત્રને સ્પષ્ટ સૂચના આપી કે આવી અરાજકતા ફેલાવનારાઓ અને એક સંતના ફોટોગ્રાફ્સ સળગાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અધિકારીએ ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં જ એક સંતે રાજ્યની મુલાકાત લીધી હતી અને સંસ્કૃતિ, પરંપરા તથા રાષ્ટ્રવાદ અંગેના તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ભલે લોકો આ વિચારોને સ્વીકારવા કે નકારવા માટે સ્વતંત્ર છે, પરંતુ કોઈને પણ કાયદો હાથમાં લેવાની છૂટ નથી. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે રાજ્યમાં લાંબા સમયથી ચાલી આવતું તુષ્ટિકરણનું રાજકારણ હવે સહન કરવામાં આવશે નહીં. આ ગરમાગરમ વિવાદ વચ્ચે બંગાળમાં રાજકીય તણાવ યથાવત છે.

શુભેન્દુ અધિકારીનું કડક વલણ, કહ્યું- ‘પ્રદર્શનકારીઓની તુરંત ધરપકડ કરવામાં આવે’