એટલાન્ટિક કેનેડા બન્યું નવું હોટસ્પોટ: ઓછા ખર્ચે અભ્યાસ અને ઝડપી પીઆર માટે આ ચાર પ્રાંતો કેમ છે બેસ્ટ?
કેનેડા જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવું અને ત્યારબાદ ત્યાં કાયમી રહેવાસી (PR) તરીકે સ્થાયી થવું એ લાખો ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જોકે, બદલાતા સમય અને કડક થતા નિયમો વચ્ચે હવે ઓન્ટારિયો કે બ્રિટિશ કોલંબિયા જેવા મોટા રાજ્યોમાં પીઆર મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કેનેડાના ચાર એવા પ્રાંતો છે જે વિદ્યાર્થીઓ માટે આશાનું નવું કિરણ બનીને ઉભર્યા છે.
દર વર્ષે ભારતમાંથી હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓ કેનેડા તરફ પ્રયાણ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ગાડરિયા પ્રવાહની જેમ ટોરોન્ટો, વાનકુવર અથવા મોન્ટ્રિયલ જેવા મેટ્રો શહેરોની પસંદગી કરે છે. પરિણામે, આ શહેરોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તી એટલી વધી ગઈ છે કે ત્યાં હવે પાર્ટ-ટાઇમ નોકરીઓ મેળવવાથી લઈને અભ્યાસ પૂરો કર્યા પછી પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) મેળવવા માટે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. કેનેડા સરકાર દ્વારા તાજેતરમાં ઇમિગ્રેશન નિયમોમાં કરાયેલા ફેરફારો બાદ, મોટા રાજ્યોમાં પોઈન્ટ સિસ્ટમ આધારિત પીઆર મેળવવું ખૂબ જ કઠિન બન્યું છે.
આવા કપરા સમયમાં શૈક્ષણિક નિષ્ણાતો ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના એટલાન્ટિક વિસ્તારમાં આવેલા ચાર નાના પણ સમૃદ્ધ પ્રાંતો તરફ નજર દોડાવવાની સલાહ આપી રહ્યા છે. આ ચાર પ્રાંતોમાં ન્યૂ બ્રુન્સવિક, નોવા સ્કોટિયા, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ અને ન્યૂફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે અત્યંત સુંદર છે અને અહીં વસ્તીની ઘનતા મોટા શહેરોની સરખામણીએ ઘણી ઓછી છે.
એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ (AIP) નો જાદુ
આ ચાર રાજ્યો આંતરરાષ્ટ્રીય ઉમેદવારો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ કેનેડા સરકારનો ‘એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ’ (AIP) છે. આ એક વિશેષ ઇમિગ્રેશન પાથવે છે, જે ખાસ કરીને આ ચાર પ્રાંતોની વસ્તી વધારવા અને ત્યાંની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ, જો કોઈ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી આ ચાર રાજ્યોની માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે, તો તેને અન્ય રાજ્યો (જેમ કે ઓન્ટારિયો) ની સરખામણીએ ખૂબ જ ઓછા સ્કોર અને સરળ શરતો સાથે પીઆર મળી જાય છે. અહીં ઇમિગ્રેશનની ફાઇલ પ્રોસેસિંગ પણ ઘણી ઝડપી થાય છે.
કુશળ કર્મચારીઓની ભારે માંગ અને ઓછી સ્પર્ધા
ટોરોન્ટો જેવા મહાનગરોમાં એક જ આઇટી કે મેનેજમેન્ટની નોકરી માટે હજારો વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા હોય છે, જેના કારણે સ્થાનિક કંપનીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું શોષણ કરે છે અથવા તેમને સરળતાથી ફુલ-ટાઇમ જોબ ઓફર નથી કરતી. જ્યારે તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ એટલાન્ટિક કેનેડાના આ ચાર પ્રાંતોમાં છે. અહીં સ્થાનિક સ્તરે કુશળ યુવાનો અને વ્યાવસાયિકોની મોટી અછત વર્તાઈ રહી છે. સ્થાનિક ઉદ્યોગો, હોસ્પિટલો, આઇટી સેક્ટર અને કોમર્શિયલ બિઝનેસ હાઉસ સતત નવી પ્રતિભાઓની શોધમાં હોય છે. આ કારણે અહીં ભણતા વિદ્યાર્થીઓને પોતાના ફિલ્ડને લગતી નોકરી ખૂબ જ સરળતાથી મળી રહે છે, જે તેમના ભવિષ્યના પીઆરના રસ્તાને એકદમ સાફ કરી દે છે.
વૈશ્વિક શિક્ષણ માર્ગદર્શક રિતિકા ગુપ્તાના જણાવ્યા અનુસાર, કેનેડામાં કાયમી સ્થાયી થવા માટે હવે વ્યૂહાત્મક નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી બન્યા છે. માત્ર મોટી યુનિવર્સિટીની બ્રાન્ડ જોઈને આંધળી દોટ મૂકવાને બદલે વિદ્યાર્થીઓએ જે-તે પ્રાંતના લોકલ જોબ માર્કેટ અને ઇમિગ્રેશન પોલિસીનો ગહન અભ્યાસ કરવો જોઈએ. એટલાન્ટિક કેનેડા માત્ર સસ્તી જીવનશૈલી જ નથી આપતું, પરંતુ માનસિક શાંતિ સાથે કરિયર ગ્રોથની પણ ઉત્તમ તક પૂરી પાડે છે. જોકે, ત્યાં જતા પહેલાં વિદ્યાર્થીઓએ ત્યાંના હવામાન, લિવિંગ કોસ્ટ અને પોતાના કોર્સની ડિમાન્ડ વિશે ચોક્કસ માહિતી મેળવી લેવી જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત કરી શકાય.

