ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણીમાં બીજી બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી હવાતિયાં મારી રહી છે. ભાજપના ધારાસભ્યોમાં એવો ભ્રમ ઉભો કરી રહી છે કે તેમના કેટલાક સભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના સંગઠન અને વિજય રૂપાણી સરકારથી નારાજ થયેલા કેટલાક સભ્યો અમને સંપર્ક કરી રહ્યાં છે તેવો દાવો ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાની કરી રહ્યાં છે.
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓને એવી આશા છે કે ક્રોસવોટીંગથી બન્નેના ઉમેદવારો જીતી જશે. વિપક્ષી નેતા કહે છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે અને અમારો બીજો ઉમેદવાર ચૂંટણી જીતી જશે, બીજીતરફ પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દેનાર ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસમાંથી હજી 12 થી 15 ધારાસભ્યો ક્રોસવોટીંગ કરે તેવી શક્યતા છે.
ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઇનામદારની ચર્ચા વિધાનસભામાં ઉડી છે. તેઓ કોંગ્રેસના સંપર્કમાં હોવાની અટકળો વહેતી થઇ છે. આવી અટકળો અંગે ખુદ કેતન ઇનામદારે કહ્યું હતું કે વિધાનસભાના પરિસરમાં આવેલી વિપક્ષના નેતાની ચેમ્બરમાં મેં ચ્હા પીધી છે પરંતુ મારા મતદારોનું માથું ઝૂકી જાય તેવું કોઇ કૃત્ય હું કરવાનો નથી. એટલે કે કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં સાથ આપવાનો તેમનો કોઇ ઇરાદો નથી. હું ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરૂં છું પરંતુ મારી વફાદારી ભાજપ સાથે જ છે. અગાઉ મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું ભાજપમાંથી આપ્યું ન હતું. એટલે મારો મત કોંગ્રેસના ઉમેદવારને જાય તે સંભવ નથી.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની સ્થિતિ દયનિય બની રહી છે. પાંચ ધારાસભ્યો તો જતા રહ્યાં પરંતુ તેની સાથે ક્રોસવોટીંગ થવાનો ભય કોંગ્રેસના નેતાઓને સતાવી રહ્યો છે. કોંગ્રેસે બીજી ગેમ ભાજપના ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી તરફ ફેંકી હતી. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો સંપર્ક સાધીને કહ્યું હતું કે તમારા સમર્થક ધારાસભ્યો હોય તો અમને તેમનો મત જોઇએ છે. સીકે રાઉલજી એક સમયે શંકરસિંહના હનુમાન જેવા હતા. તેમની વફાદારી આજે પણ છે. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું ત્યારે સીકે રાઉલજીએ પણ પાર્ટી છોડી હતી.
સીકે રાઉલજીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે મને સરકાર કે પાર્ટી તરફે કોઇ નારાજગી નથી. મેં મારી જનતાના 600 કરોડ રૂપિયાના કામો કર્યા છે. હું ક્રોસવોટીંગ કરવાનો નથી. સવારથી સાંજ સુધી હું વિધાનસભામાં હોઉં છું. મારો સંપર્ક કરવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. કોંગ્રેસે ઉડાવેલી વાતો કેવળ અફવા છે. જો કે વિપક્ષી નેતા દાવા સાથે કહે છે કે ભાજપના પાંચ થી સાત ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે.