નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આરોપીઓને ફાંસી લટકાવવા માટે મંગળવારે જ જલ્લાદ તિહાર જેલ પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ જેલમાં ફાંસીએ લટકાવવાની ટ્રાયલ પણ શરૂ થઇ ગઇ છે જેમાં વજન વાળા બાચકા લટકાવવામાં આવશે અને ફાંસીના ફંદાની મજબુતીની ચકાસણી કરવામાં આવશે. અપરાધીઓ પાસે રહેલા બધા જ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ જતા હવે ફાંસીએ લટકાવવામાં કોઇ નહીં બચાવી શકે તેવી શક્યતાઓ છે.
ચારેય અપરાધીઓને 20મી માર્ચે ફાંસીએ લટકાવવામાં આવશે. જેને પગલે તિહાર જેલમાં જલ્લાદ પવન પણ પહોંચી ગયો છે, હવે જેલમાં ડમી ફાંસી આપવામાં આવશે અને તે માટે 18-19 તારીખ નક્કી કરવામાં આવી છે. તિહાર જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમે અપરાધીઓને તેમની અંતિમ ઇચ્છાઓ પુછી હતી અને તેમના જણાવ્યા અનુસાર બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય અપરાધીઓને 20મીએ ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી કરી દીધુ હતું, અત્યાર સુધીનું આ ચોથુ ડેથ વોરંટ છે.