ભાજપ આવતા એક મહિના સુધી ધરણા પ્રદર્શન કે આંદોલન કરશે નહીં. કોરોના વાયરસને જોતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ સંસદસભ્ય પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે કોરોના વાયરસને લીધે આપણે કોઈપણ આંદોલન, ચૂંટણી, પ્રદર્શન ટાળવું જોઈએ. તેને ધ્યાનમાં રાખીને બીજેપીએ નિર્ણય લીધો છે કે આગામી 1 મહિના સુધી પાર્ટી કોઈપણ આંદોલન, પ્રદર્શનમાં ભાગ લેશે નહીં.’
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પાર્ટી કોઈ જાહેર સભા નહીં કરે. તેમણે કહ્યું કે, જો કોઈ માહિતી આપવી હોય તો પક્ષનાં 4-5 નેતાઓ આ અંગે મેમોરેન્ડમ આપશે. વળી, તેમણે કહ્યું કે ભાજપનાં તમામ એકમોને કોરોના વાયરસ વિશે જાગૃતિ ફેલાવવા કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસથી શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. આ અગાઉ મંગળવારે ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ સત્રની અવધિ ઘટાડવા માટે કેટલાક સાંસદો દ્વારા લખાયેલા પત્ર અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે દેશનાં 130 કરોડ લોકોનાં પ્રતિનિધિ છીએ, તેથી સત્ર ઓછું ન થવું જોઈએ. તેમણે પક્ષનાં સાંસદોને લોકોને કોરોના વાયરસથી જાગૃત કરવા માટે તેમના મત વિસ્તારોની મુલાકાત લેવાનું કહ્યું હતું.