કોરોના વાઈરસના ખતરા વચ્ચે ઘણી કંપનીઓ પોતાના સ્ટાફને ઘરેથી જ કામ કરવા માટે તરફેણ કરી રહી છે.. બીજી તરફ ફેસબુકે જણાવ્યું કે, તે પોતાના તમામ સ્ટાફને ઘરેથી કામ કરવામાં મદદ માટે 74000 રુપિયાનું બોનસ આપશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફેસબુક CEO માર્ક જકરબર્ગે પોતાના સ્ટાફને મોકલેલા એક ઈન્ટરનલ નોટમાં આ વાતની જાહેરાત કરી છે.
જાન્યુઆરી સુધીના આંકડાઓ પ્રમાણે, ફેસબુકમાં અંદાજે 45000નો ફૂલ ટાઈમ સ્ટાફ છે, પરંતુ આ સિવાય હજારો કોન્ટ્રાક્ટ વર્કર્સ છે. જો કે એ જાણ નથી થઈ કે, કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોને આ બોનસનો લાભ મળશે કે કેમ?
જો કે ફેસબુક ઉપરાંત અન્ય એક ટેક કંપની પણ પોતાના સ્ટાફને બોનસ આપી રહી છે. WorkDay નામની સોફ્ટવેર કંપનીએ પણ સોમવારે જાહેરાત કરી હતી કે, તેઓ બે સપ્તાહથી વધારાનો પગાર બોનસ તરીકે સ્ટાફને ચૂકવશે.
આ ઉપરાંત મંગળવારે ફેસબુકે જાહેરાત કરી હતી કે, તે કોરોના વાઈરસથી પ્રભાવિત થનારા નાના ધંધાર્થીઓને મદદ તરીકે 739 કરોડ રુપિયા આપશે. ફેસબુક 30 હજાર એલિજિબલ બિઝનેશને કેશ અને ક્રેડિટ આપશે.
જણાવી દઈએ કે, કોરોના વાઈરસના કારણે ફેસબુક પર પણ માઠી અસર થઈ છે. કંપનીના શેર 28 ટકા તૂટ્યા છે. આ ઉપરાંત 27 ફેબ્રુઆરીએ ફેસબુકે પોતાની વાર્ષિક સોફ્ટવેર ડેવલોપર્સ કોન્ફરન્સને પણ રદ્દ કરી હતી. ફેસબુકે માર્ચની શરૂઆતમાં જ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાનું જણાવી દીધુ હતું.