દિલ્હીના સફદજંગ હોસ્પિટલમાં બુધવારે એક વ્યક્તિએ સાતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીદો હતો.. આ વ્યક્તિને કોરોના વાયરસનું સંક્રમણ હોવાની આશંકામાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 35 વર્ષીય આ વ્યક્તિને એરપોર્ટ અધિકારીઓએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યાર બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિને એરપોર્ટના અધિકારીઓએ કોરોનાનો સંદિગ્ધ હોવાની શંકામાં હોસ્પિટલના આઈસોલેશન વિભાગમાં દાખલ કરાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે નોડલ અધિકારીએ અમને જણ કરી હતી કે તેઓ 35 વર્ષના એક કોરોના વાયરસના સંદિગ્ધ વ્યક્તિને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે.
કોરોના વાયરસના આ સંદિગ્ધે સુપર સ્પેશિયાલિટી બ્લોક બિલ્ડિંગથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે પંજાબનો રહેવાસી આ વ્યક્તિ એક વર્ષથી સિડનીમાં રહી રહ્યો હતો અને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેને કોરોના છે કે નહીં તેનો રિપોર્ટ હજી આવવાનો પણ બાકી હતો.