રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જે તા. ૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓ આગામી તા. ૧૪મી એપ્રિલ-ર૦ર૦ પછી લેવામાં આવશે.
ગુજકેટની જે પરિક્ષાઓ તા.૩૦મી માર્ચે-ર૦ર૦ લેવાની જાહેરાત કરાઈ હતી તે પરિક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની ૧૬ ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.