ઉત્પાદકો અને મેડિકલ સ્ટોર્સ દ્વારા માસ્ક અને સેનિટાઇઝરના કાળાબજાર કરાતા હોવાની ફરિયાદોના પગલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રે મોટા શહેરોની 355 દુકાનોમાં તપાસ હાથ ધરીને કાળાબજાર થતા હોવાનું જણાતા 73 મેડિકલ સ્ટોર્સ બંધ કરાવવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, તંત્રની 25 ટીમો દ્વારા રાજ્યભરમાં ચેકીંગ ચાલું કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની 355 જેટલી દવાઓની દુકાનોમાં તપાસ કરાઇ હતી. જેમાંથી અમદાવાદમાં 30, સુરતમાં 18, રાજકોટમાં 15 અને વડોદરામાં 10 દુકાનોમાં માસ્ક તથા હેન્ડ સેનિટાઇઝર્સના કાળાબજાર ધ્યાને આવ્યા છે. આ દુકાનોને તાત્કાલિક બંધ કરાવી શોકોઝ નોટીસ આપવામાં આવી છે.
ચેકીંગ દરમિયાન બે જુદી જુદી બ્રાન્ડના હેન્ડ સેનિટાઇઝર્સ પરવાના વગર ઉત્પાદિત થયેલા અને નકલી જણાતા ઉત્પાદકો બેકરબ હેન્ડ સેનેટાઇઝર, મકરપુરા વડોદરા અને એચ.કે.હેન્ડ સેનેટાઇઝર, માં ખોડલ કેમિકલ્સ, ઓઢવ, અમદાવાદ પાસેથી બનાવટી હેન્ડ સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.