પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે દેશમાં સેનિટાઇઝરના કાળા બજાર વધી ગયા છે. તેમણે કહ્યું કે ભારતની સ્થિતિ જોતા સંક્રમણ ફેલાવાનો ખતરો વધારે છે. ઘી અને તેલની માંગ પણ વધી ગઈ છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી છે કે પતંજલિ આયુર્વેદ હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરશે. બાબા રામદેવે જાહેરાત કરી છે કે 15 દિવસથી મહિનાની અંદર પતંજલિ આયુર્વેદનું હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ હશે. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે અમે વધારે પ્રભાવશાળી સેનિટાઇઝર તૈયાર કર્યા છે.
કોરોના વાયરસના ખતરા વચ્ચે સાવધાની રાખતા હેન્ડ સેનિટાઇઝરની માંગ વધી ગઈ છે. ઘણા સેલર્સનું કહેવું છે કે તેમણે થોડા જ દિવસોમાં ઘણા મહિનાનો સ્ટોક વેચી નાખ્યો છે. જ્યારે બીજી તરફ એવા પણ સમાચાર છે કે સેલર્સની માંગને જોતા કિંમત કરતા વધારે સેનિટાઇઝર અને માસ્કનું વેચાણ કરી રહ્યા છે.
બાબા રામદેવે કહ્યું હતું કે તેમની કંપનીએ પામ ઓઈલ, સોયા ઓઇલની કિંમતમાં 20 ટકા સુધી ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે અમે દેશને બજાર નહીં પણ પરિવાર માનીએ છીએ. આ જ કારણ કે અમે સાબુની કિંમતમાં 12.5 ટકા સુધીનો કાપ કર્યો છે. સાથે એલાવેરા, હળદર, ચંદનની કિંમતમાં પણ આટલો જ ઘટાડો કર્યો છે.
બાબા રામદેવે કહ્યું છે કે તેમની કંપની દ્વારા બજારમાં ઉપલબ્ધ થનાર હેન્ડ સેનિટાઇઝર વિદેશી કંપનીઓની સરખામણીમાં સસ્તી અને વધારે પ્રભાવશાળી હશે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે કેન્દ્ર સરકારે માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને એસેંશિયલ કોમોડિટી એક્ટમાં 30 જૂન સુધી મુકી દીધા છે. જેથી તેની હોલ્ડિંગ કરવામાં ના આવે અને બજારમાં આ આસાનીથી ઉપલબ્ધ થઈ શકે.