કોરોના વાયરસને પરિણામે ભારતનાં અર્થતંત્ર પર ખૂબ મોટી અસર પડી છે જેને લીધે અનેક વ્યાપારો બંધ થવાની શક્યતા છે. જો કોરોના વાયરસ વધુ ને વધુ પ્રસરાતો જશે તો તેની સૌથી મોટી અસર સ્થાનિક રોજગારી પર જોવા મળશે. કોરોના વાયરસની સૌથી મોટી અસર જો કોઇ ક્ષેત્ર પર પડતી જોવા મળશે તો તે છે ટુર એન્ડ ટ્રાવેલ્સ. ટુર એન્ડ ટ્રાવેલ્સની સૌથી મોટી અસરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરની એજન્સીઓને કોરોના વાયરસને પરિણામે મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે.
અમદાવાદની આ એજન્સીઓનાં કહેવા અનુસાર કોરોના વાયરસને પરિણામે ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટુરનાં તમામ બુકિંગ કેન્સલ થઇ ગયા છે ઉપરાંત તેઓનું કહેવું એમ છે કે અમે જે-જે જગ્યાએથી બુકિંગ લીધા હતાં તે જગ્યાએથી હવે પૈસા પણ રિફન્ડ નહીં અપાય અને એક વર્ષની ક્રેડિટ જમા રાખીને ગ્રાહકોનાં બધાં જ રૂપિયા બ્લોક કરી દીધાં છે. જેને લઇને ગ્રાહકો હવે રાત દિવસ ફોન કરી કરીને ધક્કા ખાધા કરે છે. અમને આ બિઝનેસને લઇને એવું લાગી રહ્યું છે કે આ બિઝનેસ એક વર્ષ સુધીમાં સર્વાઇવ કરી શકે તેમ નથી કારણ કે જે રીતે ભારતમાં કોરોનાનું પ્રમાણ વધવા લાગ્યું છે તેમ તેમ હવે તેની સમગ્ર ધંધા-રોજગાર પર અસર થશે અને અમારા બિઝનેસ હાઉસને અનિશ્ચિત સમય સુધી બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઇ જશે.
એરલાઇન્સ કંપનીઓએ ટ્રાવેલ્સ એજન્સીઓને 30 એપ્રિલ સુધીની ક્રેડિટ નોટ આપી છે પરંતુ એક મહિનામાં સ્થિતિ સામાન્ય નહીં થાય એટલે ટ્રાવેલ કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઇએ કે અમદાવાદમાં 2000થી 2500 ટ્રાવેલ એજન્ટ છે અને 500 નાની મોટી ટ્રાવેલ એજન્સીઓ છે. WTTCનાં મેનેજિંગ ડાયરેક્ટરનું કહેવું એમ છે કે પર્યટન ઉદ્યોગને જે નુકસાન થશે તેમાંથી બહાર આવવામાં 10થી 12 મહિના લાગી જશે.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસે ભારે કહેર મચાવી દીધો છે. તેની ઝપટમાં અત્યાર સુધી 182 દેશો આવી ગયાં છે. આ વાયરસનાં કારણે અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે 2 લાખ 75 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 250નાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. સૌથી ખરાબ સમાચાર ઈટાલીમાંથી આવ્યા છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત થયા છે. આ મોત સાથે ત્યાં કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થઈ ગયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે.