ગુરૂવારની રાત્રીએ સોશિયલ મીડિયામાં શહેરમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ થયો હોવાનાં મેસેજ ફરતા થયા હતાં પરંતુ તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશને તે અંગે ખુલાસો કરવાની તસ્દી ન હોતી લીધી. જેને લીધે આ મેસેજ વાયરલ થતાં જ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો હતો. આ ઉપરાંત શહેરમાં કેટલીક સોસાયટીઓમાં વિદેશથી આવેલી વ્યક્તિને ધ્યાનમાં લેતા આજુબાજુનાં નાગરિકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો હતો. જેથી મ્યુનિ.નો હેલ્પ લાઇન નંબર, સરકારનો હેલ્પ લાઇન નંબર અથવા તો પોલીસનાં હેલ્પ લાઇન નંબર પર ‘અમારી સોસાયટીમાં વિદેશથી આવ્યાં છે પાડોશી?’ એ પ્રકારનાં મેસેજ વાયરલ થયા હતાં.
તમને વધુમાં જણાવી દઇએ કે અમદાવાદમાં 104 નંબરની હેલ્પ લાઈન નંબર પર 150થી વધુ ફરિયાદો સામે આવી છે. વિદેશમાંથી આવતા લોકો તપાસ નથી કરાવી રહ્યાં અને તેઓ બજારમાં ખુલ્લેઆમ બહાર ફરી રહ્યાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. શંકાસ્પદ લક્ષણો હોવા છતાં પણ વિદેશથી આવેલા લોકો ખુલ્લેઆમ બજારમાં ફરી રહ્યાં હોવાની પાડોશીઓ દ્વારા ફરિયાદો મળી હતી. તમને જણાવી દઇએ કે ગઇ કાલનાં રોજ AMCએ પોતાનાં ઓફિશીયલ ટ્વિટર પેજ પર આ અંગે હેલ્પલાઇન નંબર પણ શેર કર્યો હતો. શહેરની કેટલીક સોસાયટીનાં સ્થાનિકોએ કોરોના માટેની 104 નંબરની હેલ્પ લાઈન પર તેમની આજુબાજુ વિદેશથી આવેલા લોકો જાહેરમાં ફરતા હોવાની અને તેમના લક્ષણો શંકાસ્પદ હોવાની 150થી વધુ ફરિયાદ મ્યુનિ.ને 24 કલાકમાં મળી હતી.