દેશમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા હવે 350ની ઉપર પહોંચી ગઈ છે. કોરોનાના કારણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 22 માર્ચના રોજ જનતા કરફ્યૂનું એલાન કર્યુ હતું, જે ઘણું સફળ રહ્યું હતું. જો કે હવે દેશના 13 રાજ્ય અને કુલ મળીને 80 જિલ્લાઓ લૉકડાઉન થઈ ગયા છે. જો કે આ લૉકડાઉન આપણામાંથી અનેક લોકો માટે નવો શબ્દ છે. તાજેતરમાં તમે “જનતા કરફ્યૂ” નામ સાંભળ્યું હતું, પરંતુ તેનો અર્થ નહતા જાણતા. હવે લૉકડાઉન પણ નવો શબ્દ છે, તો ચાલો તમને જણાવીએ કે આ લૉકડાઉન આખરે શું હોય છે?
લૉકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે એપિડેમિક અથવા કોઈ આપદા સમયે લાગૂ થાય છે. આ વ્યવસ્થા સરકાર લાગૂ કરે છે. લૉકડાઉનમાં જે-તે વિસ્તારના લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી હોતી. તેમણે માત્ર દવા અથવા અનાજ જેવી જરૂરી વસ્તુઓ અથવા બેંકમાં રુપિયા ઉપાડવા માટે જ બહાર જવાની મંજૂરી મળે છે.
કોઈ સોસાયટી અથવા શહેરમાં રહેનારા ત્યાંના લોકોના સ્વાસ્થ્ય અથવા અન્ય જોખમોથી બચાવવા માટે લૉકડાઉ લાગૂ કરવામાં આવે છે. આ સમયે કોરોના વાઈરસના ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન અપનાવાયું છે. જો કે તે આટલો કડક રીતે હજુ લાગૂ નથી થયો. લોકડાઉનને સરકારની જગ્યાએ આ વખતે લોકો ખુદ પોતાની પર લાગૂ કરી રહ્યાં છે. ઈટલીના અનેક વિસ્તારોમાં લોકોએ પોતાની જાતને ઘરોમાં કેદ કરી લીધા હતા. જેથી કોરોનાનો ચેપ તેમના સુધી ના પહોંચે.
શું શાકભાજી-દૂધની દુકાનો ખુલ્લી રહેશે?
દૂધ, શાકભાજી અને દવાઓની દુકાનો લૉકડાઉન અંતર્ગત નથી આવતી. જો કે આ દુકાનો પર કારણ વગરની ભીડથી બચવું જરૂરી છે.
શું હશે ATM-પેટ્રોલ પંપની સ્થિતિ?
પેટ્રોલ પંપ અને ATMને રાજ્ય સરકારે જરૂરી સેવાઓની શ્રેણીમાં રાખ્યા છે. આથી આ ખુલ્લા રહેશે.
શું ખાનગી વાહનોનો ઉપયોગ થશે?
હા ખાનગી વાહનોની અવર-જવર ચાલુ રહશે, પરંતુ ચેપથી બચવા માટે ખુલ્લા વાહનો જેવા કે બાઈક વગેરેની જગ્યાએ ખાનગી કાર વગેરેનો ઉપયોગ કરવો.
લૉકડાઉન સમયે આ બધુ રહેશે બંધ
લૉકડાઉન સમયે સ્કૂલ, કૉલેજ, મૉલ, ઓફિસો, થિયેટર, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળો, લગ્ન સમારંભો, ટ્રાન્સપોર્ટ સેવાઓ વગેરે બંધ રહેશે. રોડ પર 5થી વધુ લોકોને એકઠા પણ નહીં થવા દેવામાં આવે.