ભારતમાં અત્યારે કોરોનાનું કોમ્યૂનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું છે એટલે કે હવે અહીં સામુદાયિક અથવા એમ કહો કે સ્થાનિક સ્તર પર ફેલાવાનું શરૂ થઈ ગયું છે. આવા નાજુક સમયે સોશિયલ ડિસ્ટેંસિંગની આ રીતે મજાક ઉડાવવી ભારે પડી શકે છે, એટલું ભારે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરવી પડી કે તમામ રાજ્ય સરકારી દિશા-નિર્દશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડકાઇથી વર્તે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 500થી પાર પહોંચી ચુક્યો છે અને 10 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે.
ડરાવવાનો ઉદ્દેશ નથી, પરંતુ કોરોના વાયરસ કેટલો ખતરનાક અને સંક્રામક છે, એ જાણવું જરૂરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં શરૂઆતનાં આકલન પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિથી સરેરાશ 1.4થી 2.5 લોકોમાં સંક્રમણ ફેલાય છે. અન્ય અભ્યાસોમાં કોરોના સંક્રમણનાં દરને 3.6થી 5.8 સુધી બતાવવામાં આવ્યો છે. જો એકથી સરેરાશ 3 સંક્રમણને લઇએ તો ચેન બન્યા બાદ ફક્ત એક વ્યક્તિથી હજારોમાં સંક્રમણ ફેલાશે.
યૂનિવર્સિટી કૉલેજ લંડનમાં યૂસીએલ ઇન્સિટ્યૂટ ફોર હ્યૂમન એન્ડ પરફોર્મન્સનાં ડાયરેક્ટર પ્રોફેસર હુગ એડવર્ડ મોંટગોમરીએ કોરોના વાયરસનાં સંક્રમણને સરળ ભાષામાં સમજાવ્યું છે કે આ કેટલું ખતરનાક છે. બ્રિટનની ચેનથી 4 સાથે વાતચીતમાં પ્રોફેસર મોંટગોમરીએ જણાવ્યું કે નોર્મલ ફ્લૂમાં સંક્રમિત વ્યક્તિ સરેરાશ 1.3થી 1.4 લોકો સુધી સંક્રમણ ફેલાવી શકે છે. જો આ ચેન 10 વાર ચાલે તો પણ એક વ્યક્તિથી 14 લોકોમાં ફ્લૂ ફેલાશે.
બીજી તરફ કોરોના વાયરસ ઘણી જ ઝડપથી ફેલાય છે. આ ઘણો જ સંક્રામક છે. આનાથી સંક્રમિત એક વ્યક્તિથી સરેરાશ 3 લોકોમાં સંક્રમણ ફેલાય છે. સાંભળવામાં આ આંકડો ઓછો દેખાય છે, પરંતુ હકીકતમાં આ ઘણો જ ડરામણો છે. આને આ રીતે સમજો, 3, એ ત્રણથી 9, એ 9થી 27, એ 27થી 81…. જો આ ચેન 10 વાર ચાલે તો એક વ્યક્તિ 59,000 લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ પહોંચી જશે.