કોરોનાની મહામારીમાં ખાનગી નોકરી કરતા લોકોને તેમની નોકરી પર જવાની અને પગાર બંધ કરવાની ચીમકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને અપીલ કરી છે કે તેઓ કર્મચારીઓને તેમની નોકરીથી દૂર ન કરે અને તેમનો પગાર ન કાપે.
શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ, હિરાલા સમરિયાએ તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ રાષ્ટ્રનાં નામે આ કંપનીઓને ઘોષણા કરી હતી કે તેઓ તેમના કર્મચારીઓને તેમની નોકરીથી હટાવશે નહીં અને તેમના પગારમાં પણ ઘટાડો નહીં કરે. તમામ સચિવોને લખેલા પત્રમાં હિરાલા સમરિયાએ કહ્યું છે કે, કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિમાં કર્મચારીઓની સુવિધાની કાળજી લેવી જરૂરી છે. તમામ ખાનગી અને સાર્વજનિક કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે સંકટનાં આ સમયમાં તેઓ છટણી ન કરે અને તેમને પગાર ન કાપે. જો કોઈ કર્મચારી રજા લે છે, તો તેને રજા માનવામાં આવે.
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસને કારણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 548 જિલ્લાઓમાં સોમવારે સાંજે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારનાં દિવસે, 95 નવા કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. સોમવારની રાત સુધીમાં કુલ 471 લોકો વાયરસથી પોઝિટીવ જોવા મળ્યા હતા. વળી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પુડ્ડુચેરીમાં 31 માર્ચ સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.