ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં દૂધ, શાકભાજી, ફળફળાદિ, ઘઉં, ચોખા, દાળ, ખાદ્યતેલ, રાંધણગેસ જેવી 12 જેટલી આવશ્યક ચીજોનો પુરવઠો પૂરતાં પ્રમાણમાં લોકોને મળી રહે, આ ચીજોના કાળાબજાર ના થાય તે માટે રોજેરોજ મોનેટરિંગ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં કુલ 6 સભ્યોનું ટાસ્ક ફોર્સ તાત્કાલિક ઊભું કરાયું છે.

રાજ્યમાં 3.21 કરોડ વસતીને આવરી લેતી જાહેર વિતરણ વ્યવસ્થામાં 8.0 લાખ જેટલા અંત્યોદય કાર્ડધારકો સહિત અંદાજે કુલ 66 લાખ અગ્રતા ધરાવતા પરિવારો-કાર્ડધારકોને 17 હજાર રેશનની દુકાનો દ્વારા ઘઉં, ચોખા, ખાંડ તથા મીઠું જેવી ચીજોનો માર્ચ મહિનાનો ક્વોટા પહોંચ્યો છે કે કેમ તેનું ચેકિંગ હાથ ધરાયું છે. અત્યારે મહિને 1.20 લાખ ટન ઘઉં તથા 51 હજાર ટન ચોખા પીડીએસ હેઠળ અપાય છે. રેશનની દુકાનોના સંચાલકો તેમજ ગેસ એજન્સીના વાહનચાલકો-ડિલિવરી બોયને લોકડાઉનની સ્થિતિમાં હેરાનગતિ ના થાય એ માટે પાસ આપવા પોલીસ તંત્રને સૂચના અપાઈ છે.
રાજ્યમાં 16 દૂધ ઉત્પાદકોનું રોજ ૫૫ લાખ લિટર દૂધ અમૂલના 1,600 જેટલા પાર્લરો દ્વારા નિયમિત વિતરીત થાય એ માટે તેમજ શાકભાજી અને ફળફળાદિનો જથ્થો એપીએમસી દ્વારા લાંબી લાઇનો વગર ખરીદ-વેચાણ થાય તે માટે ટાસ્કફોર્સ દ્વારા સૂચના અપાઈ છે. ટાસ્કફોર્સના નોડલ ઓફિસર તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના એમડી તુષાર ધોળકિયાને નિયુક્ત કરાયા છે. જ્યારે અન્ય સભ્યોમાં નાગરિક પુરવઠા સચિવ મહોમ્મદ શાહિદ, એપીએમસી ડિરેક્ટર વાય. એમ. બલોચ, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડી. પી. દેસાઇ તેમજ ફૂડ કંટ્રોલર-અમદાવાદ દિનેશ પરમાર સમાવિષ્ટ છે.
આવશ્યક ચીજોની ફરિયાદો માટે તાત્કાલિક રાજ્યકક્ષાની અને જિલ્લા સ્તરની હેલ્પ લાઇન ઊભી કરવાનું પણ ટાસ્કફોર્સ દ્વારા નક્કી કરાયું છે.