કોરોના સામે લડવા માટે કોંગ્કોરેસે આગેકૂચ કરી છે. કોરોનાના ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 38 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના સામેની મહામારીથી લોકોને બચાવવા માટે સ્થાનિક સ્તરે નિદાન, ચકાસણી અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જરૂરી મેડિકલ કીટ, સાધનો અને જરૂરી સંસાધનો વસાવવા માટે 10 લાખ ફાળવવા માટે સ્થાનિક જીલ્લા આયોજન અધિકારીને જરૂરી સુચના આપવા આજ્ઞા અનુસાર વિનંતી કરી હતી.
થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ પહેલા ગુજરાતના સાંસદોએ પણ કોરોના વાયરસ સામે લડવા માટે ગ્રાન્ટની ફાળવણી કરી હતી. જેમાં કચ્છના વિનોદ ચાવડા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરિટ સોલંકીએ કોરોના સાવચેતી સંસાધનો માટે 1-1 કરોડ રૂપિયાનું ફંડ રિલીઝ કર્યુ હતું.
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો વ્યાપ વધતો જાય છે. કોરોના વાયરસના અત્યાર સુધી 38 કેસ સામે આવ્યા છે. સરકારે કોરોના વાયરસને રોકવા માટે રેલ્વે, વિમાન, બસ સેવા સહિતની તમામ સુવિધા બંધ કરી દીધી છે. ગુજરાતમાં 31 માર્ચ સુધી તાળાબંધી કરવામાં આવી છે.અમદાવાદમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3 અને કચ્છમાં એક કેસ નોંધાયા છે.