દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને જોતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે કે, ઈમરજન્સી સેવાઓનું કામ સરળ કરવા માટે દેશમાં કામચલાઉ રીતે નેશનલ હાઈવે પર ટોલ નહીં લેવામાં આવે. કેન્દ્રીય મંત્રીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું કે, COVID-19ને જોતા આદેશ આપવામાં આવે છે કે, દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ લેવાનું કામ બંધ કરી દેવામાં આવે. જેનાથી ઈમરજન્સી સેવાઓના કામમાં લાગેલા લોકોને જરૂરી સમય બચાવવામાં મદદ મળશે.
આ ઉપરાંત ગડકરીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, રોડની જાળવણી અને ટોલ પ્લાઝા પર ઈમરજન્સી સેવાઓની ઉપલબ્ધતા હંમેશાની જેમ યથાવત રહેશે. હકીકતમાં દેશમાં 21 દિવસોનું લૉકડાઉન 14 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન હાઈવે અને રાજ્યની સરહદો સીલ કરી દેવામાં આવી છે. માત્ર ઈમરજન્સી વાહનોને અવર-જવર કરવાની મંજૂરી છે. માત્ર જરૂરી વસ્તુઓની સપ્લાય કરનારા ટ્રક અને અનિવાર્ય સેવાઓ સંબંધિત સરકારી વાહનો અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી રહી છે. આટલું જ નહીં, પોલીસ એકલ-દોકલ ખાનગી વાહનોને પણ વ્યાજબી કારણો દર્શાવવા પર જ જવાની મંજૂરી આપી રહી છે. આવામાં ટોલ નહીં લેવાથી ઈમરજન્સી સેવામાં લાગેલા લોકોને ફાયદો થશે અને તેઓ ઓછા સમયમાં ક્યાંય રોકાયા વિના તેમની સેવાઓ પૂરી પાડી શકશે.