લોકડાઉનના સમયમાં પાર્ટી, લગ્ન અને લોકોના એકઠા થવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આમ છતાં કેટલાક લોકો કોરોના વાયરસની સ્થિતિને ગંભીર રીતે નથી લઈ રહ્યાં. આવી જ એક ઘટનામાં પોલીસે ગુરદાસપુરથી આવી રહેલી એક જાનને અટકાવી દીધી હતી. જેમાં વર-વધુ સહિત 20 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
ટાંડા પોલીસે જાનને એ સમયે રોકી જ્યારે લોકડાઉન દરમ્યાન તેઓ લગ્ન કરી પરત ફરી રહ્યાં હતા. આ જાન ગુરદાસપુરથી હોશિયારપુર થઈને લુધિયાણા જઈ રહી હતી. એ સમયે વરરાજાની કાર દુલ્હનને લઈ પરત આવી રહી હતી. તેમની સાથે પાંચ વધુ ગાડીઓનો કાફલો હતો. આ સિવાય કુલ 20 લોકો હતા જે જાનમાં સામેલ હતા. દેશમાં લાગેલા કરફ્યૂ બાદ હોશિયારપૂરની ટાંડા પોલીસ દરેક જગ્યાએ સાવધાની રાખી રહી છે. ત્યારે પોલીસે વર-વધુના કાફલાને આવતા જોયો તો રસ્તામાં જ રોકી લીધો.
એ પછી પોલીસે સરકારના આદેશોનું ઉલ્લંઘનનો કેસ દાખલ કરી વર-વધુ સહિત 20 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે જણાવ્યું કે જાનમાં સામેલ થયેલ તમામ લોકો અને નવવિવાહિત યુગલ વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. સાથે જ આ ઘટનાની તપાસ પણ કરવામાં આવશે.