મહારાષ્ટ્રમાં નવી શરૂઆત: સુનેત્રા પવાર આજે ડેપ્યુટી CM તરીકેનો કાર્યભાર સંભાળશે; મંત્રાલયથી દિલ્હી સુધી રાજકીય ગરમાવો
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે અફડાતફડી અને શોકભર્યા વાતાવરણ વચ્ચે આજે એક નવો સૂર્યોદય થયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અજિત પવારના નિધન બાદ, રાજ્યના હિતમાં અને પક્ષની મજબૂતી માટે સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આજે પોતાનો પદભાર સંભાળશે.
આધ્યાત્મિક અને શ્રદ્ધાંજલિ સાથે દિવસનો પ્રારંભ
કાર્યભાર સંભાળતા પહેલા સુનેત્રા પવારે મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેતી વખતે તેમની સાથે પક્ષના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક ચૈત્યભૂમિની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સચિવાલયમાં પ્રવેશતા પહેલા તેઓ છત્રપતિ શિવાજી મહારાજ અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાઓને નમન કરીને પોતાના મંત્રાલયના છઠ્ઠા માળે સ્થિત ઓફિસમાં જશે.
મંત્રાલયમાં ભવ્ય તૈયારીઓ
મંત્રાલયના છઠ્ઠા માળે આવેલી નાયબ મુખ્યમંત્રીની ઓફિસને ફૂલોના કુંડાઓ અને રોશનીથી શણગારવામાં આવી છે. અજિત પવારના નિધનના શોક વચ્ચે પણ વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે સ્ટાફ સજ્જ જોવા મળી રહ્યો છે. સુનેત્રા પવાર આજે તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં હાજરી આપશે, જે રાજકીય રીતે અત્યંત મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં રાજ્યના આગામી બજેટ અને પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પર ચર્ચા થવાની શક્યતા છે.
દિલ્હી પ્રવાસ અને વડાપ્રધાન સાથે મુલાકાત
રાજ્યમાં કાર્યભાર સંભાળ્યા બાદ તુરંત જ સુનેત્રા પવાર આજે સાંજે દિલ્હી જવા રવાના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલે બુધવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત પાછળ બે મુખ્ય કારણો માનવામાં આવે છે:
અજિત પવારના નિધન બાદ પરિવાર અને પક્ષ પ્રત્યે કેન્દ્રની સંવેદનાનો આભાર માનવો.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ભવિષ્ય અને સંભવિત રાજકીય જોડાણો અંગે ચર્ચા કરવી.
બજેટ સત્રની તૈયારીઓ
બપોરે ૩ વાગ્યે સુનેત્રા પવાર વિધાન ભવન ખાતે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ની બેઠકમાં ભાગ લેશે. આગામી બજેટ સત્રમાં સરકારની વ્યુહરચના શું હશે અને વિરોધ પક્ષના સવાલોનો સામનો કેવી રીતે કરવો તે અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અજિત પવાર નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરવાના હતા, હવે તેમની ગેરહાજરીમાં આ જવાબદારી કેવી રીતે વહેંચવામાં આવશે તેના પર સૌની નજર છે.
સુનેત્રા પવાર માટે આ સમય અત્યંત કપરો છે. એક તરફ અંગત ખોટનું દુઃખ છે અને બીજી તરફ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યની જવાબદારી. જોકે, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા અનુભવી નેતાઓના સાથથી તેઓ આ નવી ભૂમિકામાં કેટલા સફળ રહે છે, તે જોવું રહ્યું. મહારાષ્ટ્રની જનતા પણ આ ‘પાવર શિફ્ટ’ ને ખૂબ જ આશાસ્પદ નજરે જોઈ રહી છે.
