કોરોનાના વાયરસના કારણે હજારો લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વાયરસથી પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે જનજીવન ઠપ્પ થયું છે.
આર્થિક મોર્ચે પણ કોરોના વાયરસના કારણે વિશ્વને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જે દેશોમાં પ્રવાસીઓ વધારે આવે છે ત્યાં વધારે નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં પણ 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે પર્યટક સ્થળો પર હલચલ સન્નાટામાં ફેરવાઈ ગઈ છે. જેના કારણે ટ્રાવેલ્સ એજન્સીઓના સેંકડો કર્મચારી ઘરે બેઠા છે. જો કે, આ અંગે એક ટ્રાવેલ એજન્સીના ઓપરેટરે જણાવ્યું કે હાલ સપ્ટેમ્બર સુધી પર્યટકોના આવવાની કોઈ સંભાવના દેખાતી નથી. તેથી લગભગ 6 મહિના સુધી કર્મચારીઓને ઘરે બેસવું પડી શકે છે.
એવી સ્થિતિમાં ટ્રાવેલ્સ એજન્સીઓ માટે કર્મચારીઓને સેલરી આપવી મુશ્કેલ બની જશે. જેના કારણે એજન્સીઓ છટણીના મૂડમાં છે. પરિણામે લાખો લોકોની નોકરીઓ પર જોખમ મંડરાઈ રહ્યું છે. આ સિવાય હોટલ અને દુકાનોમાં કામ કરનારા કર્મચારીઓની નોકરી પણ પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ જેવા બીજા સેક્ટર્સ પણ છે. જ્યાં માંગમાં ઘટાડાને પગલે જે લોકોની હાલ નોકરી છે તેમની નોકરી પર જોખમ મંડરાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ કુલ 136 મિલિયન લોકોની નોકરીઓ પર લટકતી તલવાર છે.