ગાંધીનગર- કોરોના સંક્રમણના સમયમાં ભય અને ઉચાટના માહોલ વચ્ચે માનસિક સંતુલન રાખવા માટે યોગા અને ફિટનેસની પ્રત્યેક વ્યક્તિને જરૂર પડે છે. સામાન્ય સંજોગોમાં યોગા અને ફિટનેસના રૂપિયા ચૂકવવા પડતા હોય છે પરંતુ જો કોઇ વિનામૂલ્યે આ તમને શિખવે તો તેનો અવશ્ય લાભ લેવો જોઇએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ આ કોર્સ શરૂ કર્યા છે.
આ કોર્સમાં તમારે કોઇ જગ્યાએ એકત્ર થવાનું નથી પરંતુ તમને ઘેરબેઠાં જ નિષ્ણાંતો શિખવશે. જીટીયુના સ્પોટ્સ અને મીડિયા વિભાગ દ્વારા ઓનલાઈન ફિટનેસ ક્લાસ આગામી તારીખ 2 એપ્રિલથી સવારે 8 કલાકે પ્રથમ ફેઝમાં ચલાવવામાં આવશે. જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકશે.
જીટીયુના કુલપતિ પ્રો ડો નવિન શેઠ જણાવે છે કે કોરોનાના સમયમાં ઉચાટ દૂર કરવા ગુજરાતની જનતા અને યુવાનોએ ફિટનેસ ક્લાસનો લાભ લેવો જોઇએ. જીટીયુ દ્વારા ચલાવવામાં આવતાં આ ઓનલાઇન ફિટનેસ વર્ગો જીટીયુના ફેસબુક પેજ દ્વારા લાઈવ કરવામાં આવશે. તમામ પ્રકારનું માર્ગદર્શન ફિટનેસ અને યોગા ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ દિલિપ પાંડે , નિલમ સુતરીયા અને સહર્ષ શાહ સહિતના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.
આ પ્રકારની કામગીરીનો ઉદ્દેશ લોકોને ઘરમાં રહીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો છે. જેથી તેઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. લોકો માનસિક તેમજ શારીરિક રીતે સ્વસ્થ રહે. આ કામગીરીનું સંપૂર્ણ સંચાલન સ્પૉટ્સ ઑફિસર ડો. આકાશ ગોહિલ તથા મીડિયા ઓફિસર મિલન પાઠક દ્વારા કરવામાં આવ્યું છે