ગાંધીનગર- ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વધારે ગંભીર હોવાની ચેતવણી આપી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તેમણે કહ્યું હતું કે છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી પરંતુ વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે.
ગુજરાતમાં હાલ 87 કેસ પોઝિટીવ છે અને કુલ સાત વ્યક્તિના મોત થયાં છે. બે વ્યક્તિઓ હજી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર છે. 71 વ્યક્તિ સ્ટેબલ છે જ્યારે સાત લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે ક્વોરેન્ટાઇન ભંગ બદલ 418 સામે એફઆઇઆર દાખલ કરી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વધુ ગંભીર હોવાથી રાજ્ય સરકારે 1000 વેન્ટીલેટર વસાવવાની તૈયારી શરૂ કરી છે. હાલ વેન્ટીલેટર પર માત્ર બે વ્યક્તિ છે. 738 લોકોની ટ્રેનિંગ શરૂ કરાવમાં આવી છે, કુલ 1400 લોકોને વેન્ટીલેટરની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.
જ્યંતિ રવિએ કહ્યું કે 17666 લોકો હાલ હોમ ક્વોરેન્ટાઇનમાં છે, તેમની દેખરેખ રાખવામાં આવેલી છે. જો તેઓ ઘરમાં ક્વોરેન્ટાઇન રહેશે નહીં તો તેમને જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. સરકારી ક્વોરેન્ટાઇનમાં 904 અને પ્રાઇવેટમાં 282 લોકો છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કારણે છ વ્યક્તિના મોત થયા છે પરંતુ વડોદરામાં મૃત્યુની એક ઘટના સામે આવી છે. વડોદરાના નિઝામપુરાના 55 વર્ષિય વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિ શ્રીલંકાની ટૂર પર ગયા હતા. તેમના પરિવારના ચાર સભ્યોનો ક્વોરેન્ટાઇન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.