અમદાવાદ શહેર કોરોના વાયરસ નું એપીસેન્ટર બની ગયું છે અને અત્યારસુધી અહીં કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ત્રણના મોત થઈ ચુક્યા છે પરિણામે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આવા વિસ્તારો સતત ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.અને પોલીસ પોઇન્ટ મૂકી અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ચાંદખેડામાં એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાના ઘર અને વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, જે ગલીમાં આ મહિલાનું ઘર આવેલું છે ત્યાંથી એકપણ વ્યક્તિ ઘર બહાર નીકળતું નથી. આ વિસ્તારમાં કુલ 1000 જેટલા ઘર આવેલા છે અને ભાગ્યે જ કોઈ બહાર નીકળતું હોવાથી સન્નાટો જોવા મળે છે. હાલ આસપાસનો વિસ્તાર લોકડાઉન થઈ ગયો છે.
અમદાવાદ ના આસ્ટોડિયા, ગોમતીપુર, આનંદનગર, શ્યામલ, સાઉથ બોપલ, વૈષ્ણોદેવી, સનાથલ, બાપુનગર, ચાંદખેડા, શાહપુર, રાયપુર અને કાલુપુરમાંથી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને પગલેઅમદાવાદ મહાનગરપાલિકા કોરોનાને ડામવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગતરોજ કોરોના પોઝિટિવના દર્દીઓના નામ અને સરનામાં જાહેર કર્યાં બાદ હવે, કોરોના દર્દીના વિસ્તારોમાં રહેતા લોકોનું હેલ્થ ચેકઅપ ઉપરાંત આવી સોસાયટી અને મહોલ્લાના રહીશોને પણ બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે. જેના માટે મેમનગર, ચાંદખેડા, બાપુનગર વિસ્તારમાં પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યા છે, અને એ વિસ્તારમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, સાથે સાથે કોરોના પોઝિટિવના દર્દીઓની આજુબાજુના લોકોને ક્વોરન્ટીન પણ કરવામાં આવી રહ્યા છે.
આમ અમદાવાદ હવે કોરોના નું હોટસ્પોટ જાહેર થઈ ચૂક્યું છે અને કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ પ્રતિબંધ લગાવી લોકડાઉન નું ચુસ્ત પાલન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
