ભારતીય રેલ્વેએ 15 એપ્રિલથી પોતાની સેવા શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુત્રોએ જણાવ્યુ કે રેલ્વેએ તમામ સુરક્ષા કર્મીઓ, સ્ટાફ, ગાર્ડ, ટીટીઇ અને અન્ય અધિકારીઓને 15 એપ્રિલથી પોત પોતાના કાર્યસ્થળો પર પરત ફરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે. ટ્રેનોનું સંચાલન સરકારની લીલી ઝંડી મળ્યા બાદ જ શરૂ થશે. સરકારે આ મુદ્દે મંત્રીઓના સમૂહની રચના કરી છે.
આ વચ્ચે રેલ્વેએ ટ્રેનોના સંચાલનનું ટાઇમ ટેબલ, તેમના ફેરા અને બોગીઓની ઉપલબ્ધતા સાથે પોતાની તમામ રેલ ઝોનની સેવાઓને ચાલુ કરવાની તૈયારી કરી છે. સુત્રોએ જણાવ્યુ કે 17 ઝોનોને પોત પોતાની સેવા સંચાલિત કરવા માટે તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
16 એપ્રિલથી આશરે 80 ટકા ટ્રેન નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલવાની સંભાવના છે જેમાં રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેન સામેલ છે. સ્થાનિક ટ્રેનોની સેવા પણ ચાલુ થઇ શકે છે. સુત્રોએ જણાવ્યુ કે આ અઠવાડિયાના અંતમાં ઝોનોને યોગ્ય કાર્ય યોજના મોકલવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન દ્વારા 24 માર્ચે બંધની જાહેરાત બાદ અભૂતપૂર્વ પગલુ ભરતા રેલ્વેએ 21 દિવસ માટે 13,523 ટ્રેનોની સેવા બંધ કરી દીધી હતી. આ દરમિયાન તેમની માલવાહક ટ્રેન ચાલુ રહી છે.