અમદાવાદ માં કોરોના ની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જઇ રહી છે અને નવા કેસો નો ઉમેરો થઈ રહ્યો છે આ અંગે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને અહીંની સ્થિતિ અંગે માહિતી આપી હતી. હાલ માંજ દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલને કલસ્ટર જાહેર કરી દેવાયા છે. આ સ્થળો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.હવેથી આ જગ્યાઓ ઉપર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ AMC પહોંચાડશે તેમ પણ તેઓએ જણાવ્યુ હતુ.
ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105 ને પાર કરી ગયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 5 પોઝિટિવ કેસ સાથે અમદાવાદમાં 43 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ ને કારણે સ્થિતિ વણસી હોવાનું બહાર આવી રહ્યું છે.
ગઈરોજ કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.આમ લોકલ ટ્રાન્સમિશન વધતું જઇ રહ્યું છે અને અમદાવાદ માં કોરોના નો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે લોકો ના સહયોગ થીજ કોરોના સામે લડત શક્ય છે પરંતુ લોકો નો સહયોગ જોઈએ તેઓ સહયોગ નહિ મળતા કોરોના વાયરસ અમદાવાદ માં ઝડપ થી ફેલાઈ રહ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
