(નિલેશસિંહ ઝાલા)
કોઈ એ સાચુજ કહ્યું છે કે દીકરી એટલે બાપ નું કાળજું…કાળજા નો કટકો..દીકરી જયારે પોતાના પાપા ને જુએ એટલે ગળે લાગી જાય અને એટલે જ દીકરી ની વિદાય બાદ બાપ નું જીવન બદલાઈ જાય છે તે અચાનક વૃદ્ધ બની જાય છે. પોતાના સંતાનો થી વ્હાલું માબાપ માટે કઇજ હોતું નથી ત્યારે આજે વાત કરવી છે ગુજરાત પોલીસખાતા માં ફરજ બજાવતા એક એવા દંપતી ની કે જેઓ એ કોરોના ની હાડમારી માં ફરજ ને પ્રાધાન્ય આપી પોતાની ફૂલ જેવી માસૂમ નું કહી શકાય કે બલિદાન આપી દીધું છે. ગુજરાત ના ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયસિંહ મંડોળ છેલ્લા દશેક વર્ષ થી પોલીસખાતા માં નોકરી કરે છે અને તેઓના ધર્મપત્ની એવા અલકા બેન મંડોળ પણ ઠાસરા પોલીસ મથક માં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આ દંપતી ના જીવન માં બે વર્ષ પહેલાં દીકરી આવતા તેનું નામ રાહી પાડ્યું હતું. દીકરી રાહી બન્ને ને ખુબજ વ્હાલી હતી અને તેના સહારે જિંદગી ના દિવસો આગળ વધી રહયા હતા પરંતુ ચાઇના થી શરૂ દુનિયા માં હાહાકાર મચાવનાર કોરોના આ પોલીસ દંપતી ની જિંદગી વિરાન બનાવી દેશે તેની તેઓ એ કલ્પના પણ કરી નહતી.
કોરોના ભારત માં પ્રવેશી ચુક્યો હતો બધેજ ભાગદોડ અને ટેંશન હતું અને આજ દિવસો માં મોદીજી એ દેશમાં લોકડાઉન જાહેર કરી દીધું હતું , ડોકટરો,પોલીસ,એમ્બ્યુલન્સ વગરે સાથે સંકળાયેલા અધિકારી થી લઈ કર્મચારીઓ સતત ફરજ ઉપર બીઝી હતા અને ત્યારે આ પોલીસ દંપતી ને પહેલી વખત અહેસાસ થાય છે કે હવે ‘રાહી’ નું શુ કરીશું કારણ કે તેઓ પોતાની વ્હાલસોયી દીકરી ને સમય આપી શકતા ન હતા એક તરફ ફરજ તો બીજી તરફ પોતાનું બાળક આ બેવડી જવાબદારી માં કઈક ડીસીજન લેવાનું હતું અને છેલ્લે બન્ને એ એક વહેવારુ ઉકેલ શોધી પણ લીધો કે દીકરી ને થોડા દિવસ મામા ના ઘરે મૂકી આવીએ તો કેવું ? અને અલકા બેન પોતાના દાહોદ નજીક આવેલા પિયર સંજેલી ગામે સેફ જગ્યાએ પોતાની નાનકડી દીકરી રાહી ને મૂકી આવ્યા અને બાદ માં ચિંતા હળવી થતા ફરજ ઉપર લાગી ગયા હતા, પરંતુ વિધી ને કઈક જુદુજ મંજુર હતું અને લોકડાઉન માં વ્યસ્ત પોલીસ કોન્સ્ટેબલ જયસિંહ ને 2 એપ્રિલે અચાનક પોતાની સાસરી માંથી એક ફોન આવે છે અને કંઈક અજુગતું થયા ના અણસાર વચ્ચે જ્યારે વાત સાંભળે છે તો જાણે ધરતી પગ નીચેથી સરકી રહી છે સમાચાર એવા મળ્યા કે ‘ રાહી’ લીલા ચણા ખાતી હતી ત્યારે તેના નાક માં અકસ્માતે ચણો ફસાઈ જતા તેને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી છે તેથી તેને તાત્કાલિક દાહોદ દવાખાને લઈ જઈ રહ્યા છે અને તમે જલ્દી પહોંચો બસ આ ખબર મળતાજ પોલીસ દંપતી માબાપ ભાંગી પડ્યા હતા બીજી તરફ કોરોના માં કોઈ ને પણ રજા નહિ આપવાના કડક આદેશો વચ્ચે જ્યારે આ પોલીસ દંપતી ની કરુણ કહાની જોઈ સેવાલીયા અને ઠાસરા પોલીસ મથક ના ઉપરી અધિકારીઓ એ માનવતા ખાતર થોડીવાર માટે રજા આપી હતી અને હોસ્પિટલમાં દીકરી ને દાખલ કરી પાછા આવીએ તે વાત પર રજા મળતા તેઓએ દાહોદ તરફ દોડ લગાવી હતી પણ કુદરત રૂઠયો હોય તેમ ફરી ફોન આવ્યો કે દાહોદ હોસ્પિટલ માં ના પાડી છે અને સિરિયસ કેસ હોવાથી વડોદરા લઈ જાવ તેવું જણાવતા તેઓ વડોદરા જઇ રહ્યા છે અને સીધા જ વડોદરા આવજો તેવું જણાવતા પોલીસ દંપતી પોતાની પુત્રી નું મોઢું જોવા અધીરા બન્યા હતા પરંતુ અફસોસ કે વડોદરા પહોંચે તે પહેલાં જ નાનકડી રાહી એ પોતાના મમ્મી પાપા ને કાયમ માટે અલવિદા કરી દીધી હતી.
જ્યારે પોલીસ દંપતી પોતાની વ્હાલસોયી દીકરી પાસે પહોંચ્યું ત્યારે તેઓનું કલ્પાંત આસપાસ ના વાતાવરણ ને પણ રડાવી ગયું હતું અને કાયમ માટે ચૂપ થઈ ગયેલી દીકરી રાહી નો ચહેરો જોઈ દિલ ના હજ્જારો કટકા થઈ ગયા હતા જાણે કુદરતે અજીબ ખેલ ખેલ્યો હતો તેઓ હજુતો આ કાળજું કંપાવી દે તેવા આઘાત માંથી હજુ બહાર આવે તે પહેલાં જ કોરોના ની લડાઈ માં જંગે ચડવા નું ફરમાન આવતા દીકરી ના ભગ્ન હદયે અંતિમવિધિ કરી ફરી પાછા લોકડાઉન માં લોકો ને બહાર નહિ નીકળવા ની અપીલ સહિત ની કામગીરી માં જોતરાઈ ગયા હતા પરંતુ અજાણ્યા લોકો માત્ર તેમની વરદી જોઈ શકતા હતા પણ તેઓ ના સુકાયેલા આંસુઓ તરફ કોઈ નું ધ્યાન નહોતું , ફરજ બજાવતા આ દંપતીના ડુસકા નો અવાજ કોઈ સાંભળી શક્યું ન હતું પરંતુ જેઓ નજીક ફરજ બજાવતા સાક્ષી હતા તેઓની આંખો પણ ભીની થઈ હતી આમ કોરોના ના જંગ માં ફરજ અને લાગણીઓ વચ્ચે લાગણી હારી ગઈ હતી.