અમદાવાદમાં સોમવારે નોંધાયેલાં કુલ ૧૧ કેસો પૈકી ૧૦ કેસો તો તબલીગી જમાતના હોવાનુ આરોગ્ય વિભાગે જણાવ્યુ હતું. અમદાવાદ હવે ડેન્જર ઝોન બન્યુ છે ત્યારે હવે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને કોટ વિસ્તારને સીલ કરવાનું નક્કી કર્યુ છે. આજે રાજ્યમાં નવા ૧૮ પોઝિટીવ કેસો નોંધાયા હતાં
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધ્યાં છે.સોમવારે અમદાવાદમાં ૧૧ નવા કેસો નોંધાયા હતાં જેમાં ૧૦ તબલીગીઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે નોંધાયેલાં કેસોમાં કોટ વિસ્તારમાં દરિયાપુરમાં જ ૯ કેસો નોંધાયા હતાં. જયારે કાલુપુરમાં એક કેસ નોંધાયો હતો.આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવિએ સ્પષ્ટપણે કહ્યું કે,દિલ્હી મરકઝ પર જઇને આવેલાં લોકોને લીધે જ કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વધ્યા છે. ખાસ કરીને મુસ્લિમ ગીચ વિસ્તારોમાં ય કેસો વધ્યા હોવાનુ બહાર આવ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે,કોરોના પ્રસરે નહીં તે માટે કલ્સ્ટર કવોરન્ટાઇન કરવુ જરૂરી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં જમાલપુર, કાલુપુર, રસુલાબાદ, બાપુનગર અને દરિયાપુર વિસ્તારને સીલ કરાશે. આ ઉપરાંત લોકોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાશે.અત્યારે અમદાવાદના કોટ વિસ્તારમાં હોટસ્પોટ ઓપરેશન શરૂ કરી દેવાયુ છે અને આ બધાય વિસ્તારોમાં કુલ મળીને ૧૪૦૭૫ લોકોને કલ્સ્ટર કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ બધાય વિસ્તારોમાં વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરાશે.