આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓનો વ્યાપ વધારતા વિકાસ કાર્યોનું ઉમરપાડામાં લોકાર્પણ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના વરદ હસ્તે કુલ રૂ. ૫૮ કરોડના ખર્ચે વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિજાતિ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાના ઉમદા હેતુથી રાજ્ય સરકારના સહયોગથી જિલ્લા પંચાયતે આરોગ્ય, આદિજાતિ વિકાસ અને સ્વચ્છતાના ક્ષેત્રમાં અનેક કામોનો શુભારંભ કરાવ્યો છે, જેનાથી સમગ્ર જિલ્લાની સુખાકારીમાં મોટો વધારો થશે.
ઉમરપાડાને મળશે ૧૦૦ બેડની આધુનિક હોસ્પિટલ: આરોગ્ય સુવિધાઓમાં મોટો ઉછાળો
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઉમરપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને રૂ. ૪૭.૭૧ કરોડના ખર્ચે તૈયાર થનારી ૧૦૦ બેડની પેટા જિલ્લા હોસ્પિટલનું ભૂમિપૂજન રહ્યું હતું. આ નવી હોસ્પિટલમાં ઇમરજન્સી મેડિસિન, ઓર્થોપેડિક સર્જરી, ગાયનેક અને ઓપીડી જેવા અત્યાધુનિક વિભાગો કાર્યરત થશે, જેનાથી આસપાસના તાલુકાઓના અંદાજે ૬૦ હજારથી વધુ ગ્રામજનોને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. આ સાથે જ વડપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવી એમ્બ્યુલન્સ અને માંગરોળ-ઉમરપાડા વિસ્તારમાં નવનિર્મિત સબ-સેન્ટરોનું પણ લોકાર્પણ કરી અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવાઓને વધુ સુલભ બનાવવામાં આવી છે.
‘સ્વચ્છ ભારત’ મિશન હેઠળ ૨૦૦ ગામોમાં ઈ-રિક્ષા અને સફાઈ અભિયાન
સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા માટે જિલ્લાના ૨૦૦ ગામોમાં ‘ડોર ટુ ડોર’ કચરાના સંગ્રહ માટે ઈ-રિક્ષાઓને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રદૂષણ રહિત આ વાહનો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કચરાના નિકાલની વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બનશે. આ ઉપરાંત, જાહેર સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી વિવિધ સ્થળોએ નવનિર્મિત સામૂહિક શૌચાલયોનું પણ લોકાર્પણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે આ તકે જણાવ્યું હતું કે, ભૌતિક સુવિધાઓની સાથે યુવાનોના શિક્ષણ માટે તાલુકા મથકે આધુનિક લાયબ્રેરીનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી આદિવાસી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે.
આદિજાતિ કલ્યાણ અને કૃષિ-સિંચાઈ ક્ષેત્રે ભવિષ્યના આયોજનો
ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ આ પ્રસંગે ખેડૂતો માટે ખુશીના સમાચાર આપતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકાના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે રૂ. ૯૫૦ કરોડની ભવ્ય સિંચાઈ યોજના પૂર્ણતાના આરે છે, જેનું ટૂંક સમયમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરાશે. આ સાથે જ માંડવી પ્રાયોજના કચેરી હેઠળ રૂ. ૮ કરોડના અન્ય વિકાસ કામો, પશુપાલન માટે વેટરનરી ડિસ્પેન્સરી અને આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ કરીને જિલ્લાના સર્વાંગી વિકાસની ગતિને વેગ આપવામાં આવ્યો છે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી સરકારના વિકાસલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.

