દરેક ભારતીયોના મનમાં અત્યારે એક જ સવાલ છે. શું 14 તારીખ બાદ પીએમ મોદીએ જાહેર કરેલુ 21 દિવસનું લોકડાઉન ખુલશે કે કેમ? જેમ જેમ 14મી તારીખ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્ર અને રાજ્યસરકારો ભવિષ્યના પ્લાનિંગમાં લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તમને ઘરની બહાર જવાની છુટ અપાશે પણ કેટલાક નિયમોના આધારે. લોકો આઝાદીપૂર્વક ફરી નહીં શકે. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે સરકારો આકરા નિયંત્રણો નાખી શકે છે. જોકે ઘણા લોકોનું નામવું છે કે, 14 મી પછી પણ લોકડાઉન યથાવત જ રહેશે.
મતલબ કે જો કેટલાક વિસ્તારોમાં લોકોને બહાર જવાની મંજુરી આપવામાં આવશે તો આ શરતો લાગુ પડશે. વાહનોને માત્ર ઓડ-ઈવનના આધારે મંજુરી આપવામાં આવી શકે છે. આ ફોર્મ્યુલા દિલ્હીમાં પોલ્યુશન ઘટાડવાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યો હતો. સાથે જ કારમાં સવાર લોકો માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી શકે
14 એપ્રિલ બાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની છુટ આપવામાં આવે તેવી શક્યતા ખુબ ઓછી છે. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, સ્ટેટ બોર્દર ખોલવાનો હાલ તો કોઈ સવાલ જ ઉભો થતો નથી. આ ઉપરાંત ટ્રેન, મેટ્રો અને વિમાનની મુસાફરી ફરીથી શરૂ કરવાની શક્યતા પણ દૂર દૂર સુધી દેખાતી નથી. જોકે સરકાર કોસ્મેટિક, કરિયાણાના સ્ટોર સહિતના કેટલીક જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ફરી શરૂ કરવાની છૂટ આપી શકે છે. જોકે તેમાં પણ હોટ-સ્પોટ અને મોટા શહેરો માટે નિયમો જુદા જુદા હોઈ શકે છે.
કેન્દ્ર સરકાર કોરોનાના કહેરને અટકાવવા માટે લોકડાઉનને 21 દિવસથી આગળ વધારવા પર વિચારણા કરી રહી છે. જોકે રાજ્ય સરકારો અને નિષ્ણાંતોએ પણ કંઈક આવો જ મત વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને મધ્ય પ્રદેશ સહિતની સરકારો પણ લોકડાઉન વધારવાનું સમર્થન કરી રહી છે.