ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસના 12 કલાકમાં વધુ 70 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. આ કેસો પૈકી સૌથી વધુ 44 કેસ અમદાવાદના છે. 20 કેસો વડોદરાના છે. ભરૂચમાં ત્રણ અને સુરતમાં ત્રણ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 378 કેસ થયાં છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે આજે કોઇ દર્દીનું મોત થયું નથી પરંતુ ત્રણ વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વેન્ટીલેટર પર ત્રણ દર્દીને રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુદીમાં કુલ 33ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 19ના મોત થયાં છે.
નવા નોંધાયેલા ડિસ્ચાર્જના કેસોમાં એક ગાંધીનગર, એક વડોદરા અને એક અમદાવાદનો છે. અત્યારે રાજ્યમાં કુલ 11015 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. સરકારી હોસ્પિટલોમાં 1170 અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં 167 કેસ ક્વોરેન્ટાઇન થયેલા છે. છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગે 1519 ટેસ્ટ કર્યા છે જે પૈકી 116 પોઝિટીવ અને 1300 નેગેટીવ આવ્યા છે. 103 કેસો પેન્ડીંગ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7718 ટેસ્ટ પૈકી 378 પોઝિટીવ છે જ્યારે 7237 કેસ નેગેટીવ છે.
ગુજરાતના 18 જિલ્લા પૈકી અમદાવાદમાં કુલ 197 કેસો પોઝિટીવ છે. સુરતમાં 27, રાજકોટમાં 18, વડોદરામાં 59. ગાંધીનગરમાં 14 અને ભાવનગરમાં 22 કેસ પોઝિટીવ છે. રાજ્યના કુલ કેસો પૈકી 313 કેસોમાં લોકલ ટ્રાન્સમિશન લાગુ પડ્યું છે.