ગાંધીનગર- લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દરિયામાં જવા પર અને દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ દૂર કર્યો છે.
રૂપાણીના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂન: રોજગારી-આવક મળતી થશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ રાજ્ય સરકારે હટાવી લીધો છે. આ પ્રતિબંધ હટી જવાથી સાગરખેડૂ પરિવારો પૂન: પોતાના વ્યવસાય થકી આર્થિક આધાર મેળવતા થશે અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ફરી ધમધમતી થશે.
મુખ્યમંત્રીએ રાજ્યની 443000 જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનોને આર્થિક સહાય માટેનો પણ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે જે મુજબ ભારત સરકારે ગંગા સ્વરૂપા માતા-બહેનોને પ્રવર્તમાન સ્થિતીમાં એપ્રિલ-મે-2020 એમ બે મહિના માટે પ્રતિમાસ 500 પ્રમાણે 1000ની એકસગ્રેશિયા વધારાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી આવી 97474 ગંગા સ્વરૂપા માતા-બહેનોને આ વધારાની સહાયનો લાભ ભારત સરકાર તરફથી મળવાનો છે.
મુખ્યમંત્રીએ ગંગા સ્વરૂપા માતા-બહેનો પ્રત્યે વધુ સંવેદના દર્શાવતા એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં BPL ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી ગંગા-સ્વરૂપા માતા-બહેનો સિવાયની 346417 ગંગા સ્વરૂપા માતા-બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ 500 પ્રમાણે 1000 એકસગ્રેશિયા વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને વધારાના 34.64 કરોડનો બોજ પડશે. આ માતા અને બહેનોને કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને જગ્યાએથી સહાય મળશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.