આદિજાતિ ગામોમાં પીવાના પાણીની ફરિયાદોમાં ઘટાડો લાવવા રાજ્ય સરકારની અસરકારક પ્રોત્સાહન યોજના
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘જલ જીવન મિશન’ દ્વારા છેવાડાના આદિજાતિ વિસ્તારો સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ યોજનાના સફળ સંચાલન અને લાંબા ગાળાની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ‘મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ અમલી બનાવવામાં આવી છે. પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં ૧૧ જિલ્લાની ૨૫૮ ગ્રામ પંચાયતોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કુલ રૂ. ૫.૧૬ કરોડની પ્રોત્સાહન રકમ આપવામાં આવી છે.
૧૧ જિલ્લાઓમાં પુરસ્કારનું વિતરણ
આ યોજના હેઠળ રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી જે ગામોને લાભ મળ્યો છે તેની વિગતો નીચે મુજબ છે:
| જિલ્લો | પુરસ્કૃત ગામોની સંખ્યા | જિલ્લો | પુરસ્કૃત ગામોની સંખ્યા |
| સાબરકાંઠા | ૫૭ | વલસાડ | ૨૦ |
| તાપી | ૫૨ | બનાસકાંઠા | ૧૭ |
| ભરૂચ | ૨૭ | ડાંગ | ૧૬ |
| સુરત | ૨૫ | અરવલ્લી | ૧૫ |
| નવસારી | ૨૪ | દાહોદ/પંચમહાલ | ૦૫ |
પુરસ્કાર માટેના મુખ્ય માપદંડો
કોઈપણ ગ્રામ પંચાયત કે પાણી સમિતિને આ યોજનાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેઓ ૧૦૦ માંથી લઘુત્તમ ૭૦ ટકા ગુણ મેળવે. મૂલ્યાંકન માટેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
-
અસરકારક સંચાલન: પાણી વિતરણની નિયમિતતા અને ઓપરેટરની કામગીરી.
-
પાણીની ગુણવત્તા: શુદ્ધ અને પીવાલાયક પાણીની ખાતરી.
-
વેરા વસૂલાત: ગ્રામીણ કક્ષાએ પાણીવેરાની સમયસર અને મહત્તમ વસૂલાત.
-
ફરિયાદ નિવારણ: પીવાના પાણીને લગતી ફરિયાદોનું ન્યૂનતમ પ્રમાણ અને ઝડપી નિકાલ.
પ્રોત્સાહન રકમ અને મંજૂરીની પ્રક્રિયા
શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખની પ્રોત્સાહન રકમ મળવાપાત્ર થાય છે. આ રકમની ચૂકવણી માટે એક પારદર્શક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે:
૧. અરજી: ગ્રામ પંચાયતે નિયત માપદંડો મુજબની કામગીરી સાથે જાહેરાત મુજબ અરજી કરવાની રહે છે.
૨. જિલ્લા કક્ષાની સમિતિ: જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની અધ્યક્ષતામાં સમિતિ મૂલ્યાંકન કરી મંજૂરી આપે છે.
૩. રાજ્ય કક્ષાની સમિતિ: અંતિમ મંજૂરી બાદ રાજ્ય કક્ષાએથી ફંડ ફાળવવામાં આવે છે.
૪. માલિકીપણાનો ભાવ: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયતોમાં પોતાની પાણી પુરવઠા યોજના પ્રત્યે ‘માલિકીપણાનો ભાવ’ જગાડવાનો છે.
આ યોજનાને કારણે આદિજાતિ વિસ્તારોમાં પાણી પુરવઠા ક્ષેત્રે એક કાયમી અને મજબૂત વહીવટી પદ્ધતિ વિકસી છે, જે લાંબા ગાળે ગ્રામીણ નાગરિકો માટે શુદ્ધ પેયજળની સુવિધા સુનિશ્ચિત કરશે.
