જે ભાઈ બહેનો લગ્ન ના દિવસો ગણતા હતા તે તમામ ને લગ્ન માટે વધુ રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે અને કોરોના એ બધું છિન્નભિન્ન કરી નાખ્યું છે હાલ માં જોવા જઈએ તો સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 14 એપ્રિલથી શરૂ થઈ રહેલી લગ્નની સિઝનમાં એપ્રિલ મહિનામાં ત્રણ દિવસના મુહૂર્ત છે, જે તમામ કાર્યક્રમો રદ થયા છે. તેની સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પણ રદ થયા છે. મે મહિનાનું નક્કી નથી અને જૂનમાં 30મીએ છેલ્લુ મુહૂર્ત છે.
વિક્રમ સંવત 2076ના વર્ષમાં માંડ 43 દિવસ જેટલાં જ લગ્નના મુહૂર્ત હતા. તેમાં પણ ધનારક, હોળાષ્ટક અને મીનારકને કારણે લગ્નના દિવસો ઘટી ગયા છે. ત્યારે કોરોનાને કારણે લગભગ 11 દિવસ હાલમાં લગ્નના મુહૂર્તો રદ થયા છે. આગામી મે મહિનાના અંત સુધીમાં તમામ કાર્યક્રમો રદ થયા છે. જેના કારણે હવે લગ્નની સિઝન ફક્ત જુન મહિના પૂરતી છે, પરંતુ તેમાં પણ કોરોનાની સ્થિતિને કારણે જાહેર મેળાવડા પર શું નિર્ણય લેવાય તે હાલ નક્કી નથી. 13મીએ રાતે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ સાથે 16મીએ લગ્નનું પ્રથમ મુહૂર્ત હતું.
મે મહિનામાં 19મી સુધીના તમામ કાર્યક્રમો રદ થયા છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે લગ્નના મુહૂર્તમાં વર-કન્યાની કુંડળી જોઈ તમામ બાબતોનો વિચાર કરી તારીખ નક્કી કરાય છે. આથી ઘણાં કિસ્સામાં તો એવું પણ બને કે મુહૂર્તનો મેળ ન પડે તો લગ્ન બીજી સિઝનમાં જતાં રહે. જૂન મહિનામાં છ દિવસ લગ્નના મુહૂર્ત છે. આ વર્ષે અધિક આસો મહિનો હોવાથી લગ્નની આવતા વર્ષની સિઝન 25 નવેમ્બરથી શરૂ થશે. આમ કોરોના ને લઈ કરેલા ઓર્ડર અને તમામ આયોજન રદ કરી દેવાતા કેટલાક ને આર્થિક નુકશાન પહોંચ્યું છે અને વરકન્યા ને દિવસો લંબાતા મિલન માટે વધુ રાહ જોવાનો વખત આવતા તેઓ માં પણ નારાજગી જોવા મળી રહી છે.
