અમદાવાદની સિવિલ હોસ્પિટલના 27 વર્ષના મેલ નર્સનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે સિવિલના સ્ટાફમાં કોરોનાનો ડર પેદા થઈ ગયો છે, આ યુવાનના સંપર્કમાં આવેલા અન્ય ર્નિંસગ સ્ટાફે પોતે ક્વોરન્ટાઈન થવા માગે છે તેવી રજૂઆતો હોસ્પિટલ તંત્ર સમક્ષ કરી હતી.
જોકે હોસ્પિટલ તંત્રે ક્વોરન્ટાઈન થવા માટેની પરમિશન આપી નથી, પરંતું તેમને એવો જવાબ અપાયો છે કે, તમે ટેબલેટ ખાઈને કામ ચલાવી લો. આ વર્તનને લઈ નર્સિંગ સ્ટાફમાં નારાજગીના સૂર ઊઠયા છે, આ મામલે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને શનિવારે પૂછવામાં આવ્યું ત્યારે ક્વોરન્ટાઈન અંગે ચેક કરવું પડશે તેવો જવાબ આપ્યો હતો.
એક તરફ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા સામાન્ય લોકોને પોલીસ ઉપાડી જાય છે ત્યાં હોસ્પિટલનો સ્ટાફ સામે ચાલી ક્વોરન્ટાઈનની માગ કરી રહ્યો હોવા છતાં હોસ્પિટલ તંત્રના ઈનકારને લઈ અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે, કારણ કે તમામ ર્નિંસગ સ્ટાફની વાત નથી, માત્ર 10થી 15 જેટલો સ્ટાફ સીધા સંપર્કમાં આવ્યો તેટલા પૂરતી જ આ વાત હોવાનું તેઓ કહી રહ્યા છે. આ સ્ટાફ ઘરે જતાં પણ ગભરાઈ રહ્યો છે.