કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાસ કરીને હાલ ખેડુતોને તેમના પાકનો પુરતો ભાવ મળી નથી રહ્યો જેથી તેઓ પણ આ મહામારી સામે હારી ગયા હોય તેવા લાગી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તમામ ખેડુતો માટે રાહત આપવામાં આવી છે. 1 મેથી ટેકાના ભાવે રવિ પાકની ખરીદી કરવામાં આવશે.
સરકારે રાજયના તમામ ખેડુતો માટે રાહતનો નિર્ણય લીધો છે. જેમાં 1 મેથી ટેકાના ભાવે રવિ પાકની ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ચણા અને રાયડાની ખરીદી કરશે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમ પાસેથી સત્તા લઈને ખરીદવાની સત્તા ગુજકોમાસોલને અપાઈ છે. હાલ રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાનું કામ ચાલુ હોવાથી પુરવઠા નિગમને ખરીદીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જો કે, લોકડાઉનના કારણે તમામ માર્કેટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોની ભારે ભીડને જોતા સરકારે માર્કેટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આગામી દિવસોમાં માર્કેટ ચાલુ કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવી મહામારીમાં ખેડુતો માટે સરકારે રાહત આપતા એક ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં એપીએમસીના વેપારીઓ અને કમિશન એજન્ટોને ખેડુતો પાસેથી સીધો માલ ખરીદવા માટેની સૂચના આપી છે.