ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોની સંખ્યા 2000ને પાર જઇ રહી છે ત્યારે હોમ ક્વોરેન્ટાઇનની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 26590 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજા સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન થયેલા કેસોની સંખ્યા 3436 અને ખાનગી ફેસિલિટીમાં 328 સાથે કુલ 30354 કેસોમાં ક્વોરેન્ટાઇન થયેલા છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 35543 લોકોના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે જે પૈકી 33477 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જ્યારે 2066 પોઝિટીવ કેસો છે. છેલ્લા 24 કલાકમાં 3339 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 3124 નેગેટીવ આવ્યા છે.
રાજ્યની કોવિડ હોસ્પિટલોમાંથી કુલ 131 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવના જે કેસો છે તેમાં ગાંધીનગરનો આંકડો 17નો હતો પરંતુ તમામ લોકો ડિસ્ચાર્જ થઇ જતાં હવે ગાંધીનગર કોરોનાના લાઇવ કેસમાંથી મુક્ત છે.
ગુજરાતના33 જિલ્લા પૈકી કુલ 27 જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે આવ્યું છે તેથી રાજ્ય સરકારે વધુ તકેદારી રાખવાની સલાહ આપી છે. ગુજરાતમાં કોરોનાનો ટેસ્ટ 13 સરકારી લેબોરેટરી અને ચાર ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવે છે.
રાજ્યમાં રેપિડ ડાયગ્નોસ્ટીક હેતુ 24000 જેટલી કીટ પ્રાપ્ત થયેલી છે. જ્યંતિ રવિએ કહ્યું હતું કે 104 હેલ્પલાઇનથી કોરોના રિલેટેડ 47307 કોલ પ્રાપ્ત થયા હતા જે પૈકી 1058 લોકોને સારવાર આપવામાં આવી છે.