ગાંધીનગર અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ દાવો કર્યો છે કે 3જી મે સુધી લોકડાઉનનું અસરકારક પાલન થશે તો આપણે મે મહિનામાં ગમે ત્યારે કોરોના વાયરસ સામે નિયંત્રણ મેળવી શકીશું. તેમણે જાહેર જનતા જોગ આ અપીલ કરી છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાથી કેટલાક વિસ્તારો હોટસ્પોટ બનાવવામાં આવેલા છે અને આ વિસ્તારોમાં તમામના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કેસો વધવાનું કારણ પણ સતર્કતા અને ટેસ્ટનું વધતું પ્રમાણ છે.
વિજય નહેરાએ કહ્યું કે આપણી પાસે જેટલા દિવસ રહે છે તેટલા દિવસોમાં લોકડાઉનનું પાલન કરવું પડશે. થોડીક પણ ચૂક થશે તો આપણી મહેનત પર પાણી ફરી વળશે. આપણી શક્તિ અને સંગઠન સફળતા અપાવશે. 3જી મે સુધી ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીયે. આપણે ચોક્કસ વાયરસનો પડકાર જીતી જઇશું. અમારી દરેક વાતને સાંભળો, સમજો અને અમલ કરો.
કમિશનરે કહ્યું હતું કે કેન્દ્રના માર્ગદર્શનમાં રહીને અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને આપણે સંપૂર્ણરીતે પહોંચી વળીશું પરંતુ લોકડાઉનના જેટલા દિવસો રહ્યાં છે તે દિવસોમાં વધારે સાવધાની રાખવાની રહેશે. બિન જરૂરી બહાર નિકળવાનું લોકોએ બંધ કરવું પડશે.
વિજય નહેરાએ કહ્યું હતું કે આજે મંગળવારે અમદાવાદમાં 33 પુરૂષ અને 19 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 1298 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ 43 મૃત્યુ પણ અમદાવાદમાં થયાં છે. એટલું જ નહીં સૌથી વધુ 49 લોકો કોરોનામાંથી સાજા થઇને ઘરે ગયા છે.