પાકિસ્તાન ક્રિકેટમાં બગાવતના સૂર: શાહીન-અબરાર ટીમની બહાર, બાબર આઝમનું પત્તું પણ કપાય તેવા સંકેત
પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ટી-20 વર્લ્ડ કપ 2026 માત્ર મેદાન પરના ખરાબ પ્રદર્શન માટે જ નહીં, પણ ટીમની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈ માટે પણ યાદ રાખવામાં આવશે. ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાની ટીમમાં ભંગાણના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. નામિબિયા સામેની નિર્ણાયક ગ્રુપ મેચમાં બે મુખ્ય ખેલાડીઓ, શાહીન આફ્રિદી અને અબરાર અહેમદને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટીમમાં તો છે, પરંતુ તેમનો બેટિંગ ક્રમ છીનવાઈ જતાં ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલી અરાજકતા હવે જગજાહેર થઈ ગઈ છે.
નામિબિયા સામે ‘કરો કે મરો’નો જંગ અને ચોંકાવનારા ફેરફાર
સુપર-8 માં પહોંચવા માટે પાકિસ્તાન માટે નામિબિયા સામેની મેચ જીતવી અનિવાર્ય છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે જ્યારે કેપ્ટન સલમાન અલી આગા ટોસ માટે મેદાનમાં ઉતાર્યા, ત્યારે તેમણે ટીમમાં થયેલા બે મોટા ફેરફારોની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને સ્પિનર અબરાર અહેમદને ટીમની બહાર કરી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સલમાન મિર્ઝા અને ખ્વાજા નફેને તક આપવામાં આવી છે.
ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે શાહીન આફ્રિદી જેવા સિનિયર બોલરને આટલી મહત્વની મેચમાંથી બહાર રાખવો એ માત્ર વ્યૂહાત્મક ફેરફાર નથી, પણ ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ વચ્ચે ચાલી રહેલા ગંભીર વિખવાદનું પરિણામ છે.
બાબર આઝમની છીનવાઈ ગઈ ઓળખ: નંબર 4 પર પણ ન મળ્યું સ્થાન
પાકિસ્તાની ક્રિકેટના ઇતિહાસમાં જે ખેલાડીને ક્યારેક ‘રન મશીન’ અને અતુલ્ય કેપ્ટન માનવામાં આવતો હતો, તે બાબર આઝમ આજે ટીમમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો છે. નામિબિયા સામે જ્યારે પાકિસ્તાને વહેલી બે વિકેટ ગુમાવી, ત્યારે ચાહકોને અપેક્ષા હતી કે બાબર આઝમ ચોથા નંબરે બેટિંગ કરવા આવશે. પરંતુ, તેને ચોથા ક્રમે પણ મોકલવામાં આવ્યો નહીં.
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન કેપ્ટન સલમાન અલી આગા અને બાબર આઝમ વચ્ચે ‘કોલ્ડ વોર’ ચાલી રહી છે. ટીમના પ્લેઈંગ ઈલેવનમાં બાબરનું હોવું એ હવે માત્ર ટેકનિકલ બાબત રહી ગઈ હોય તેવું લાગે છે. તેના બેટિંગ ક્રમમાં કરવામાં આવેલા ફેરફાર દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટ હવે બાબર આઝમ વગરના ભવિષ્યનો વિચાર કરી રહ્યું છે. જો પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાંથી વહેલું બહાર થઈ જશે, તો બાબર આઝમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે.
PCB માં ખળભળાટ: ભારત સામેની હારનો આંચકો હજુ યથાવત
ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારે દબાણ હેઠળ છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓના બે જૂથ પડી ગયા છે. એક જૂથ વર્તમાન નેતૃત્વને ટેકો આપી રહ્યું છે, જ્યારે બીજું જૂથ પૂર્વ કેપ્ટનોની તરફેણમાં છે. સલમાન અલી આગાએ ટોસ વખતે જણાવ્યું હતું કે ટીમ પર કોઈ દબાણ નથી, પરંતુ તેમની બોડી લેંગ્વેજ અને ટીમમાં થયેલા ધરખમ ફેરફાર કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે.
સલમાન અલી આગાએ બેટિંગ વિભાગને ચિંતાનો વિષય ગણાવ્યો છે. પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે જ્યારે મુખ્ય બેટ્સમેનોના મનમાં જ અસલામતી હોય, ત્યારે ટીમ મેદાન પર સ્થિર પ્રદર્શન કેવી રીતે કરી શકે?
શું મોટા પ્રતિબંધો આવશે?
પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, શાહીન આફ્રિદી અને અબરાર અહેમદને બહાર રાખવા પાછળ શિસ્તભંગના કારણો પણ હોઈ શકે છે. એવા અહેવાલો છે કે PCB આગામી દિવસોમાં કેટલાક સિનિયર ખેલાડીઓ પર કડક પ્રતિબંધો લાદી શકે છે. બાબર આઝમ હાલમાં માંડ-માંડ પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો છે, પરંતુ જો નામિબિયા સામે પણ પાકિસ્તાનનો દેખાવ કથળશે, તો પીસીબી મોટો ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરવાની તૈયારીમાં છે.
એક સમયે વિશ્વ ક્રિકેટમાં ધાક જમાવનાર પાકિસ્તાની ટીમ આજે નામિબિયા સામે જીતવા માટે પણ આંતરિક કલહનો સામનો કરી રહી છે. પાકિસ્તાન ક્રિકેટના આ કાળા દિવસોમાં ચાહકો પણ નિરાશ છે. હવે જોવાનું એ રહેશે કે શું સલમાન અલી આગાની આ નવી રણનીતિ પાકિસ્તાનને સુપર-8 માં લઈ જશે, કે પછી આ ટીમની પડતીની શરૂઆત સાબિત થશે.

