કોરોના મહામારીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવેલું લોકડાઉન હવે તા. 3જી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરામાં હવે લોકડાઉન ખુલશે કે કેમ ? તે મુદ્દે હાલમાં અનિશ્વિતતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને સુરતમાં 415 પોઝિટિવ કેસો અને 12 મૃત્યુ, અમદાવાદમાં સોથી વધુ 1501 કેસો અને 62 દર્દીઓના મૃત્યુ , જયારે વડોદરામાં પોઝિટિવ 208 દર્દીઓ અને 10 દર્દીઓનાં મૃત્યું થયા છે. આ સ્થિતિમાં લોકડાઉનમાંથી ગુજરાતના આ ત્રણેય શહેરોને મુકિત્ત આપવી કે કેમ ? તે મુદ્દે હાલમાં કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. જો કે કેન્દ્ર દ્વારા ગાંધીનગરમાં રાજય સરકારનો પણ અભિપ્રાય મેળવવામા આવશે, જેમાં રેડ ઝોન , ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ ઝોનમાં લોકડાઉન ખોલી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નવો રોડ મેપ તૈયાર કરવામા આવી રહ્યો છે.એટલે કે હોટસ્પોટને હાલમાં કોઈ મુકિત્ત મળે તેવી સંભાવના નહીંવત છે. તે સિવાયના વિસ્તારમાં કેવી રીતે છૂટછાટનો અમલ કરવો તે મુદ્દે આંતરીક ચર્ચા ચાલી રહી છે.હોટ સ્પોટ સાથેના રેડ ઝોનમાં કોરોના મહામારી કેવી રીતે નિયંત્રણમાં લાવવી તે મુદ્દે રણનીતિ ઘડવામાં આવનાર છે. તે માટે કરફ્યૂનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
