ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો વચ્ચે સરકારે છેલ્લા 24 કલાકમાં 3028 ટેસ્ટ કર્યા છે જ્યારે 3280 રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કર્યા છે. ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કુલ 21 લેબોરેટરી કાર્યરત છે, જેમાં પ્રતિ દિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ નું સંક્રમણ અભુતપૂર્વ છે. માનવ જાતિએ અગાઉ ક્યારેય પણ નહીં કલ્પેલા કે નહીં અનુભવેલા કોરોના વાયરસે આજે વિશ્વના 210 દેશોમાં વ્યાપ વિસ્તાર્યો છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે, આમ છતાં ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું. એનો અર્થ એ નથી કે આ જિલ્લાઓને આપણે કોરોનાથી હંમેશને માટે મુક્ત રાખી શકીશું પરંતુ આવા અસરકારક પગલાંને પરિણામે ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પાડી શક્યા છીએ.
તેમણે જણાવ્યું કે, કોરોનાની આ મહામારી સામેની માનવ જાતની લડાઈ ઘણી લાંબી છે. હજુ લગભગ બે મહિના સુધી આ લડાઇ આપણે લડવાની છે એટલે હજુ આપણે સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતાની બાબતોને તથા આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. આ બાબતે સહેજ પણ બેફિકરાઇ ચાલી શકે તેમ નથી, અને લોકોની બેજવાબદારી પણ માનવજાત સામે મોટા જોખમ ઊભા કરી શકે તેમ છે. સખત ધ્યાન રાખીને આપણે કોરોનાના સંક્રમણની ગતિને અવરોધી શકીશું, એટલું જ નહીં કોરોનાના દર્દીઓની સંખ્યા પણ નિયંત્રિત કરી શકીશું.
અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત કોરોના ટેસ્ટમાં પાછળ નથી. ગુજરાતની જે એવરેજ છે તેમાં પણ ગુજરાત અન્ય રાજયોની બરોબરીમાં છે. ટેસ્ટ પર મિલિયન એટલે કે પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપલિકા વિસ્તારમાં સરેરાશ 2701 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજયની સરેરાશ જોઇએ તો પ્રતિ 10 લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે.