લોકડાઉન ખૂલવાને હવે દસ દિવસથી પણ ઓછો સમય રહ્યો છે, ત્યારે આ ગાળામાં કોરોનાના કેસ ડબલિંગને વધારવા કોર્પોરેશન આકાશપાતાળ એક કરી રહ્યું છે. મ્યુ. કમિશનર વિજય નહેરાએ આજે પોતાના એફબી લાઈવમાં જણાવ્યું હતું કે અમાદવાદમાં હાલ દર ચાર દિવસે કેસો ડબલ થાય છે. જો આ જ દરે કેસો વધતા રહ્યા તો મે મહિનાના અંત સુધીમાં માત્ર અમદાવાદમાં 8 લાખ લોકોને તેનો ચેપ લાગી શકે છે
શહેરમાં 17 એપ્રિલે 600 કેસ હતા, જે 20 દિવસે ડબલ થઈ 1200 થઈ ગયા. જોકે, હવે કેસ ડબલિંગ રેટ ચાર દિવસનો થયો છે. જો હાલના દરે જ એટલે કે દર ચાર દિવસે જ કેસ ડબલ થાય તો 15 મે સુધી અમદાવાદમાં 50,000 અને 31 મે સુધીમાં 8 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે લોકડાઉન ખૂલે ત્યાં સુધી આપણે કેસ ડબલિંગ રેટ ચાર દિવસને બદલે આઠ દિવસનો કરવામાં ચોક્કસ સફળ રહીશું.
જો અમદાવાદમાં કેસ ડબલિંગનો રેટ 10 દિવસનો કરી શકાય તો 15 મે સુધીમાં શહેરમાં માત્ર 7 હજાર કેસ થાય, અને મેના અંત સુધીમાં 20-25 હજાર કેસ જ થાય. જોકે, દુનિયાના ખૂબ જ ઓછા દેશો આ કામ કરી શક્યા છે.
નેહરાએ જણાવ્યું હતું કે, 18થી 45 વર્ષના યુવાનોને કોરોના વાયરસ હાનિ નહીં પહોંચાડી શકે, પરંતુ સિનીયર સિટીઝન્સ માટે આ વાયરસ ભયાનક સાબિત થઈ શકે છે. તેમાંય હાર્ટ, કિડની કે પછી ફેફસાની કોઈપણ બીમારી ધરાવતા સિનીયર સિટીઝન્સને બચાવવા આપણે ખૂબ મહેનત કરવી પડશે.