ગાંધીનગર – લોકડાઉનના સમયમાં તેના નિયમોનું પાલન થાય તે માટે રાજ્યના પોલીસ વડાએ સખ્તાઇ શરૂ કરી છે. કેન્દ્રના આદેશને પગલે ગુજરાત સરકારે કેટલીક દુકાનો ખોલવાની છૂટ આપી છે તેની સાથે સાથે વધારે લોકો એકત્ર ન થાય તે જોવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ કહ્યું હતું કે દુકાનો ખોલવા માટે સરકારના આદેશને પગલે છૂટ આપવામાં આવી છે પરંતુ દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય છે કે નહીં તેનું ચેકીંગ પોલીસ કરવાની છે. આ સાથે ધાર્મિક સ્થળો પર લોકો એકત્ર ન થાય તેનું પણ ધ્યાન રખાશે.
પોલીસ વડાએ એક મહત્વના આદેશમાં કહ્યું છે કે ટુ-વ્હિલર વાહન પર માત્ર એક જ વ્યક્તિ સવારી કરી શકશે. બે કે તેથી વધુ હશે તો કાર્યવાહી કરાશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે માત્ર સામાન વેચતી દુકાનો અને રિપેરીંગની દુકાનોને પરમિશન આપવામાં આવી છે. પાન-મસાલા, સલુન, લીકર, ઠંડા પીણા, જૂતાંની દુકાન, આઇસક્રીમ, ફરસાણ અને હોટલ-રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી નથી.
કોઇપણ દુકાનમાં ખરીદી કરવા જતી વખતે માસ્ક પહેરવું ફરજીતાય છે. જેણે માસ્ક નહીં પહેર્યું હોય તેની સામે પગલાં લેવાશે. શિવાનંદ ઝા એ કહ્યું હતું કે જાહેરનામાના ભંગના કુલ 2263 ગુના થયાં છે. ક્વોરેન્ટાઇનમાં રહેલા 991 લોકોએ ગુનો કર્યો છે તેથી તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો જ વ્યવસાય શરૂ કરી શકશે.