દેશમાં કોરોના ની સ્થિતિ અને હાલ ના લોકડાઉન અંગે આગળ ની રણનીતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, જેમાં મોટા ભાગે પૂર્વ અને ઉત્તર પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 14મી માર્ચે લૉકડાઉન જાહેર કર્યા પછી વડાપ્રધાન મોદીની વિવિધ રાજ્યોના વડા સાથે આ રીતે ચોથી બેઠક હશે. આ વીડિયો કોન્ફરન્સ સવારે દસ વાગ્યે શરૂ થશે, જેમાં લૉકડાઉનમાં આંશિક રાહતોના પરિણામોની અસર, લૉકડાઉન લંબાવાય તો તેના પરિણામો, તબક્કાવાર અમલ તેમજ ડૉક્ટરોની સુરક્ષા-પીપીઈ કિટ્સ વગેરે અંગે ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠકમાં કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્ર સાથે આર્થિક પેકેજ તેમજ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટના વિસ્તરણની પણ માંગ કરી શકે છે. આ કાયદાનો અમલ કરવા જંગી ભંડોળની જરૂર પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 મેં ના રોજ લોકડાઉન નો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે કોરોના ના કેસ અને સ્થિતિ જાણ્યા બાદ આગળ નો નિર્ણય લેવાય તેવી શકયતા છે.
