ગાંધીનગર – ગુજરાત ભલે દેશમાં કોરોના પોઝિટીવ કેસોમાં બીજાક્રમે રહ્યું હોય પરંતુ મૃત્યુઆંકની ટકાવારીમાં ગુજરાતનું અમદાવાદ શહેર એ સમગ્ર દેશમાં પ્રથમક્રમે જોવા મળ્યું છે. એકલા અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે ગંભીર એવા 102 લોકોના મૃત્યુ થયાં છે. અમદાવાદનો મૃત્યુઆંક 4.71 ટકા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, “મૃત્યુદર નીચો લાવવા વરિષ્ઠ નાગરિકોની ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કારણ કે તેમને અન્ય લોકોની તુલનામાં કોરોના વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ છે.” ગુજરાત સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 2,167 કેસ નોંધાયા છે. જેમાં 102 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોવિડ-19ના દર્દીઓનું વિશ્લેષણ દર્શાવે છે કે, કોરોનાને કારણે અમદાવાદમાં થયેલાં મૃત્યુનો દર 4.71 ટકા છે, જે નવી દિલ્હી, મુંબઈ અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 2,919 કેસમાંથી 54 દર્દીનાં મૃત્યુ થયાં છે. તે 1.85 ટકાનો મૃત્યુદર સૂચવે છે. એવી રીતે મુંબઈમાં મૃત્યુદર 3.77 ટકા છે. દેશની આર્થિક રાજધાનીમાં કોરોનાના કુલ 5,407 દર્દીમાંથી 204નાં મૃત્યુ થયાં છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 26,917 કેસ થાય છે. જેમાંથી 826 દર્દી મૃત્યુ પામ્યાં છે, જે મૃત્યુદર 3.07 ટકા હોવાનું દર્શાવે છે.
કોરોનાથી થયેલાં મૃત્યુનો અમદાવાદનો દર ગુજરાત કરતાં પણ ઊંચો છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ 3,301 કેસમાંથી 151 દર્દીનાં મૃત્યુ થયાં છે. એનો અર્થ એ થયો કે, કુલ પોઝિટિવ કેસમાંથી 4.57 ટકાએ જીવ ગુમાવ્યો છે. નહેરાએ જણાવ્યું હતું કે, “મૃત્યુદરને નીચો લાવવાનો ઉત્તમ રસ્તો વરિષ્ઠ નાગરિકોની વિશેષ સંભાળ રાખવાનો છે. કારણ કે અન્ય લોકોની તુલનામાં તેમને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ રહે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હું વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને કોઈ બીમારીથી પીડાતા હોય એવા સિનિયર સિટિઝન્સની ખાસ સંભાળ રાખવાની વિનંતી કરું છું. મૃત્યુદર નીચો લાવવા આ બાબત જરૂરી છે. આવા નાગરિકોએ પરિવારના અન્ય સભ્યોથી અંતર જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ અને સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ઘરની બહાર બિલકુલ નીકળવું ન જોઈએ.”


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.