માતા અને શિશુ સ્વાસ્થ્ય માટે આશીર્વાદ સમાન ‘ખિલખિલાટ વાહન સેવા’
સુરત જિલ્લામાં રાજ્ય સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) હેઠળ કાર્યરત ‘ખિલખિલાટ વાન સેવા’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદાજે ૧.૩૩ લાખ સગર્ભા, ધાત્રી માતાઓ અને નવજાત શિશુઓએ આ સેવાનો લાભ લીધો છે. વર્ષ ૨૦૧૨થી શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કરી, તેમને ઘરથી હોસ્પિટલ સુધી સલામત અને નિઃશુલ્ક પરિવહન પૂરું પાડવાનો છે.
પિક-અપ અને ડ્રોપ-અપની શાનદાર સુવિધા
ખિલખિલાટ સેવા અંતર્ગત લાભાર્થીઓને પરિવહન માટે કોઈ પણ આર્થિક બોજ ઉઠાવવો પડતો નથી. આ સેવાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
-
વ્યાપક પહોંચ: લાભાર્થીઓને તેમના ઘરથી હોસ્પિટલ સુધી ૨૫ કિ.મી. સુધી ‘પિક-અપ’ અને ૨૦૦ કિ.મી. સુધી ‘ડ્રોપ-અપ’ની સુવિધા આપવામાં આવે છે.
-
પાત્રતા: સગર્ભા મહિલાઓ, ડિલિવરી બાદ ૪૨ દિવસ સુધીની માતાઓ અને ૧ વર્ષ સુધીના નવજાત શિશુઓ આ સેવાનો લાભ લઈ શકે છે.
-
સુરતનું નેટવર્ક: હાલ સુરત શહેરમાં ૨૧ અને ગ્રામ્યમાં ૬ મળી કુલ ૨૭ વાહનો રાત-દિવસ કાર્યરત છે.
આર્થિક અને શારીરિક શ્રમમાંથી મુક્તિ
સુરત સિવિલના હોસ્પિટલ બેઝડ કો-ઓર્ડીનેટર વિપીક્ષા પટેલે જણાવ્યું કે, આ સેવા બિન-ઇમરજન્સી કિસ્સાઓમાં રેફરલ સેવાઓ માટે અત્યંત ઉપયોગી છે. લાભાર્થીઓ ૧૦૮ અથવા સીધા સંપર્ક નંબર દ્વારા આ સુવિધા મેળવી શકે છે. પાંડેસરા અને સચિન જેવા વિસ્તારોના લાભાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ સેવાને કારણે ગર્ભાવસ્થા દરમિયાન અને ત્યારબાદ બાળકના નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ આવવા-જવામાં ભાડાના ખર્ચ કે સુરક્ષાની ચિંતા રહેતી નથી. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે આ યોજના આર્થિક રાહતની સાથે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.

